સુરજબારી ટોલનાકાની મનમાની, 15 ગામ નારાજ

કચ્છના પ્રવેશદ્વાર સમાન સુરજબારી ટોલપ્લાઝા ખાતે ટોલ કંપનીની મનમાની સામે સ્થાનિક લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે.

વર્ષો બાદ ફરી એકવાર ટોલનાકાના પ્રશ્ને આસપાસના 15 જેટલા ગામોના લોકો અને સરપંચોએ એકજૂથ થઈને ટોલ કંપનીના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી છે. સ્થાનિકોની મુખ્ય માંગ છે કે સામખિયાળી ટોલનાકાની તર્જ પર સુરજબારી ટોલ પર પણ સ્થાનિકોને એક રૂપિયાની ટ્રીપ વાળો પાસ બનાવી આપવામાં આવે.

આ 15 ગામોના લોકોને આરોગ્યલક્ષી સેવાઓ, ખાસ કરીને મોરબીની હોસ્પિટલો તથા અન્ય રોજિંદા કામકાજ અર્થે વારંવાર પોતાના ખાનગી વાહનો લઈને હાઇવે પરથી પસાર થવું પડે છે.

આ અંગે જંગી, વાંઢિયા, ગોડપર, મોડપર, લઘધીરગઢ, નવા કટારિયા, જુના કટારિયા, શિકારપુર, નવાગામ, નારણસરી, સૂરજબારી અને જસાપર સહિતના ગામોના લોકોએ ટોલનાકે થતી ખોટી કનડગત સામે વિરોધ નોંધાવ્યો છે.

ટોલ કંપની દ્વારા માસિક 350 રૂપિયાનો પાસ ઇસ્યુ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ 15 ગામના લોકોએ તેનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો ટોલ કંપની પોતાનું જક્કી વલણ છોડીને સ્થાનિકોને સામખિયાળીની જેમ રાહતદરે પાસ નહીં આપે, તો આવનારા સમયમાં હજારોની સંખ્યામાં લોકો હાઇવે પર ઉતરી આવશે.

આ રજૂઆત વેળાએ વાંઢિયાના સરપંચ કૃષ્ણદેવસિંહજી જાડેજા, શિકારપુરના સરપંચ દેસરાભાઈ, સૂરજબારીના સરપંચ સલીમભાઇ જેડા, જંગીના સરપંચ ગુલમામદ રાઉમા, નવા કટારિયાના સરપંચ બિહારીદાસ સાધુ, જુના કટારિયાના હેમુદાન ગઢવી સહિતના આગેવાનો રામજીભાઈ પટેલ, હીરા ભચુ કોળી, કાસમભાઈ ત્રાયા, રહીમભાઈ ત્રાયા, કાસમભાઈ સોલંકી, મમુભાઈ કોળી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે સુરજબારી ટોલ પરથી રાજકીય વગ ધરાવતા મોટા માથાઓની 300 કરતા વધારે ટ્રકો રોજેરોજ મફત પસાર થવા દેવામાં આવે છે. મોટા માણસો માટે ટોલનાકા પર કોઈ નિયમ નથી. જો રાજકીય લોકોની 300 ટ્રકો મફત નીકળતી હોય, તો આસપાસના 15 ગામોની 300 જેટલી સ્થાનિક કાર માટે જ સરકારી નિયમો શા માટે? માત્ર નાના માણસો માટે જ નિયમો કેમ તેવો સવાલ ઉઠાવી ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સુરજબારી ટોલપ્લાઝાની આસપાસના 15 જેટલા ગામોએ ટોલ કંપની અને વહીવટી તંત્રને અલ્ટીમેટમ આપતા ચીમકી આપી છે કે, આગામી 10 માર્ચના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં સુરજબારી ટોલનાકે NHAI ના અધિકારીઓ રૂબરૂ આવીને આ 15 ગામોના પ્રશ્નનું નિરાકરણ લાવે. જો નિર્ધારિત સમય સુધીમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો તમામ 15 ગામના લોકો હાઇવે પર ઉતરી આવીને ઉગ્ર ચક્કાજામ કરશે.

Leave a comment