કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને સરકારી શાળાના બાળકોને ખાનગી શાળાઓ જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે અદાણી ફાઉન્ડેશન કટિબદ્ધ છે. અદાણી ફાઉન્ડેશનના ફ્લેગશિપ પ્રોગ્રામ ‘ઉત્થાન‘ અંતર્ગત હવે અંજાર તાલુકાની પાંચ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં આ પ્રોજેક્ટ હેઠળ શિક્ષણ ક્ષેત્રે ઉપયોગી વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંજાર તાલુકાની ટુના ગ્રુપ, ટુના વાડી વિસ્તાર, વંધણી, રામપર અને વીરા પ્રાથમિક શાળાઓમાં ‘ઉત્થાન’ પ્રોજેક્ટનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં વાંચન, લેખન અને ગણિત (FLN) જેવી પાયાની ક્ષમતાઓને મજબૂત કરવાનો છે. આ માટે દરેક શાળામાં ખાસ ‘ઉત્થાન સહાયક‘ (પૂરક શિક્ષક) તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ વ્યક્તિગત ધ્યાન આપીને બાળકોના શૈક્ષણિક પાયાને મજબૂત બનાવે છે.
કેવળ ભણતર જ નહીં, પણ બાળકોને ભણવામાં રસ જાગે તે માટે ફાઉન્ડેશન દ્વારા આધુનિક સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે. શાળાઓમાં જ્ઞાનના ભંડાર સમાન પુસ્તકો અને તેને રાખવા માટે કબાટની સુવિધા અપાઈ છે. તો બાલવાટિકાના ભૂલકાઓ માટે અંગ્રેજી લેખન સામગ્રી અને ધોરણ ૪ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિઝાઈન કરેલી ‘ઉત્થાન નોટબુક‘ વિતરીત કરવામાં આવી. વિદ્યાર્થીઓને એબેકસ (Abacus) અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવી તેમને ભવિષ્યના પડકારો માટે સજ્જ કરવામાં આવી રહ્યા છે.
બાળકોમાં સુષુપ્ત પ્રતિભાઓને બહાર લાવવા માટે આ પ્રોજેક્ટ હેઠળ સંગીત અને રમતગમતના સાધનોની પણ જોગવાઈ કરવામાં આવી છે. શાળાઓમાં ઢોલ, તબલા અને ડ્રમ જેવા સંગીતવાદ્યો તેમજ વિવિધ રમતોની કિટ પણ નિ:શુલ્ક ભેટ કરવામાં આવી છે. તેનાથી બાળકોમાં ટીમવર્ક, શારીરિક સ્ફૂર્તિ અને કળા પ્રત્યેની રુચિ વધશે.
અદાણી ફાઉન્ડેશન વર્ષ ૨૦૧૮થી જિલ્લા શિક્ષણ વિભાગ (DPEO/DEO) સાથે મળીને કચ્છમાં કાર્યરત છે. મુંદ્રા અને માંડવીની ૬૯ પ્રાથમિક અને ૧૨ હાઈસ્કૂલોમાં આ મોડેલ પહેલેથી જ સફળ સાબિત થયું છે. દર વર્ષે તાલુકા અને જિલ્લા કક્ષાના શૈક્ષણિક કાર્યક્રમોમાં સહયોગ આપીને ફાઉન્ડેશન ગ્રામીણ શિક્ષણ વ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યું છે.
આગામી સમયમાં આ પ્રોજેક્ટનો વ્યાપ વધુ વિસ્તારીને અન્ય અંતરિયાળ શાળાઓને પણ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું ફાઉન્ડેશનનું લક્ષ્ય છે.
