મોદી બોલ્યા, ઇઝરાયલ-ઈરાન યુદ્ધ જલ્દી ખતમ થાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. આ દરમિયાન તેમણે મિડલ ઈસ્ટ અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને જલ્દી સમાપ્ત કરવાની અપીલ કરી. મોદીએ કહ્યું કે સૈન્ય સંઘર્ષથી કોઈ પણ મુદ્દો હલ થઈ શકતો નથી.

પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ફિનલેન્ડ બંને કાયદાના શાસન, સંવાદ અને રાજદ્વારીમાં વિશ્વાસ રાખે છે. તેમણે કહ્યું- અમે આ વાત પર સહમત છીએ કે માત્ર સૈન્ય સંઘર્ષથી કોઈ પણ સમસ્યા હલ થઈ શકતી નથી.

ભલે યુક્રેનનો મુદ્દો હોય કે મિડલ ઈસ્ટનો, ભારત તમામ વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન અને શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોને સમર્થન આપતું રહેશે.

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે છ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. અલ જઝીરા અનુસાર, ઇઝરાયેલ-અમેરિકાએ અત્યાર સુધી ઇરાનમાં 5000થી વધુ બોમ્બ ફેંક્યા છે. જ્યારે 20 ઇરાની યુદ્ધ જહાજોને ડુબાડી દીધા છે. આ હુમલાઓમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ઇરાને પણ વળતો પ્રહાર કરતા મિડલ ઇસ્ટના 9 દેશોમાં બનેલા અમેરિકી બેઝ પર હુમલો કર્યો છે.

બેઠક દરમિયાન બંને દેશોએ ડિજિટલાઇઝેશન અને સસ્ટેનેબિલિટીના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ સહમતિ દર્શાવી. બંને પક્ષોએ ભારત-ફિનલેન્ડ સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર સુધી આગળ વધારવા પર ચર્ચા કરી.

વડાપ્રધાને કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 6G ટેલિકોમ, સ્વચ્છ ઊર્જા અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા હાઇ-ટેક ક્ષેત્રોમાં સહયોગથી બંને દેશોના સંબંધોને નવી ગતિ મળશે.

મોદીએ એમ પણ કહ્યું કે પ્રસ્તાવિત ભારત-યુરોપિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ભારત અને ફિનલેન્ડ વચ્ચે વેપાર, રોકાણ અને તકનીકી સહયોગને વધુ મજબૂત કરશે.

ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ બુધવારે ચાર દિવસીય ભારત પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસનો ઉદ્દેશ્ય વેપાર, રોકાણ અને ઉભરતી તકનીકો સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવાનો છે.

Leave a comment