~ સાંભળવાની પ્રારંભિક ખામીમાં જ નિષ્ણાત ENT સર્જનની સલાહ લેવાય તો ભવિષ્યમાં સાંભળવાની જટિલતા નિવારી શકાય
~ ઈયરફોન કે હેડફોનના વધુ ઉપયોગથી બહેરાશનો ખતરો વધી શકે
દર વર્ષે ૩જી માર્ચના રોજ ઉજવતા વિશ્વ શ્રવણ દિવસની પૂર્વ સંધ્યાએ અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં બહેરાશ માટે નિદાન, સારવાર અને પરામર્શ અંગે યોજાયેલા નિઃશુલ્ક કેમ્પમાં ૧૧૦ જેટલા શ્રવણશક્તિની ક્ષતિ ધરાવતા દર્દીઓએ લાભ લીધો હતો.
હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ. અને જાણીતા ENT સર્જન અને પ્રોફે.ડો.નરેન્દ્ર હિરાણી તેમજ ગુજરાતના વિખ્યાત સિનિયર ઓડિયોલોજિસ્ટ ડો.ચંદ્રકાંત વિશ્વકર્માએ સેવા આપી હતી અને જણાવ્યું હતું કે, આ સારવારમાં ખાસ કરીને વયસ્કોએ ચકાસણી કરાવી હતી, જેમાં બહેરાશનું સામાન્ય કારણ મોટેથી સંગીત સાંભળવું, ઇયરફોન અને હેડફોનનો વધતો વ્યાપ, આસપાસનો ઘોઘાટીઓ અવાજ, કાનમાં ચેપ જેવા મુખ્ય પરિબળો સામે આવ્યા હતા.
ડૉ હિરાણીએ દર્દીઓ સાથે વાતચીત કરતાં કહ્યું કે, ઓછું સાંભળવાની અસર દેખાય કે તુરત જો નિષ્ણાત ENT સર્જનની સલાહ લેવાય તો ભવિષ્યમાં સાંભળવાની જટિલતા નિવારી વધુ નુકસાની અટકાવી શકાય છે. શ્રવણશક્તિ ગુમાવવી એ બહેરાશની સ્થિતિનો પ્રથમ તબક્કો નથી,પરંતુ સારવાર ન લેવાથી સાંભળવાની સમગ્ર સિસ્ટમ ધીમે ધીમે બગડે છે. માટેજ તબીબની સલાહ આવશ્યક છે.
આ ઉપરાંત ઈયરફોન કે હેડફોનો વધુ ઉપયોગ તેમજ મોટેથી સંગીત સાંભળવુ પણ કાનના આરોગ્યને એટલું જ નુકસાન પહોંચાડે છે. ઉમર, કાનમાં ચેપની સારવારમાં આળસ, કાનમાં ઇજા થવી કે કાનમાં ચીજ વસ્તુ નાખવી વિગેરે કારણો પણ જવાબદાર છે. જ્યારે લક્ષણો અને સારવાર બાબતે બંને તબીબોના જણાવ્યા મુજબ કાનમાં અવાજ આવવો, અસ્પષ્ટ સંભળાવું, બાળકોમાં બોલવામાં વિલંબ જેવા આ પરિસ્થિતિના લક્ષણો હોય તો શ્રવણ પરીક્ષણ, તબીબી અને સર્જિકલ સારવાર અને સાંભળવાના સહાયક ઉપકરણો તબીબો સૂચવે તે મુજબ ઉપયોગમાં લેવાય તો રાહત રહે છે.
સાંભળવું કાનનું કામ,પણ સમજવું મગજનું કામ:
સાંભળવું કાનનું કામ છે, પણ સમજવું મગજનું કામ છે, તેથી જો સાંભળ્યા પછી સમજવામાં મુશ્કેલી જણાય તો, તુરંત ઓડીઓલોજિસ્ટની સલાહ લેવી હિતાવહ છે. જો ભીડભાડની જગ્યાએ આવી ઓડિસિટી ડિસઓર્ડર પ્રોસેસીંગ હોય તો નિષ્ણાતોની સલાહ મુજબ જરૂરી ઉપકરણોનો ઉપયોગ કરી શકાય. જ્યારે ખોરાકમાં ઓમેગા – ૩ અને વિટામિન બી ૧૨ યુક્ત આહાર લઈ શકાય એમ તબીબોએ જણાવ્યું હતું.
