કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે ડિજિટલ પ્લેટફોર્મ્સને ચેતવણી આપતા જણાવ્યું છે કે, પ્લેટફોર્મ્સે કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે કમાણીનો યોગ્ય હિસ્સો વહેંચવો પડશે, નહીં તો સરકારના હસ્તક્ષેપ અને કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. તેમણે આ વાત ‘ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન’ (DNPA) કોન્ક્લેવ 2026માં કરી છે.
અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કહ્યું કે, ઈન્ટરનેટ હવે માત્ર માહિતી આપવાનું માધ્યમ નથી રહ્યું, પરંતુ તે એક શક્તિશાળી ઈકોસિસ્ટમ બની ગયું છે. જો પ્લેટફોર્મ પર ખોટું કન્ટેન્ટ ફેલાવવામાં આવે અથવા બાળકોને નુકસાન પહોંચાડવામાં આવે, તો તેની સીધી જવાબદારી પ્લેટફોર્મની જ રહેશે. ખાસ કરીને AI દ્વારા બનાવાયેલ ‘ડીપફેક’ અને ‘સિન્થેટિક કન્ટેન્ટ’ સમાજ માટે નુકસાનકાર બની રહ્યા છે, જેની જવાબદારીમાંથી કંપનીઓ બચી શકશે નહીં.
મંત્રીએ સૌથી વધુ ભાર ‘ફેર રેવન્યુ શેરિંગ’ પર આપ્યો છે. તેમણે કહ્યું કે, ન્યૂઝ પબ્લિશર્સ, પરંપરાગત મીડિયા, પ્રાદેશિક ક્રિએટર્સ, ઇન્ફ્લુએન્સર્સ કે રિસર્ચર્સ – જે લોકો ઓરિજિનલ કન્ટેન્ટ બનાવે છે તેમને કમાણીનો હિસ્સો મળવો જ જોઈએ. જો કન્ટેન્ટ બનાવનારને વળતર નહીં મળે, તો વિજ્ઞાન, કલા અને સાહિત્યનો વિકાસ અટકી જશે. વૈષ્ણવે ચેતવણી આપતા કહ્યું કે, જો પ્લેટફોર્મ્સ જાતે પોલિસીમાં ફેરફાર નહીં કરે, તો દુનિયાના અનેક દેશોએ જે રીતે કાયદાકીય રસ્તો અપનાવ્યો છે, તેવો જ રસ્તો ભારત પણ અપનાવી શકે છે.
