ઈઝરાયલ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે બેઠક યોજાઈને અનેક મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બંને નેતાઓ વચ્ચે આજે (26 ફેબ્રુઆરી) મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, ટૅક્નોલૉજી, કૃષિ સહિત અનેક સેક્ટરોમાં સહયોગ વધારવા મુદ્દે વાતચીત કરવામાં આવી છે. ત્યારબાદ બંને નેતાઓએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સમજૂતીઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું છે.
બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ નેતન્યાહૂને પોતાના મિત્ર કહીને સંબોધનની શરુઆત કરી છે. તેમણે કહ્યું કે, તેમનું અને ભારતીય ડેલિગેશનનું ઈઝરાયલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ‘મને 9 વર્ષ પહેલા વડાપ્રધાન તરીકે ઈઝરાયલ આવવાની તક મળી હતી, આ મારો બીજો ભાવુકતાભર્યો પ્રવાસ છે. ગઈકાલે મને સંસદમાં સંબોધન કરવાની તક મળી, મને સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ આપીને મારું સન્માન કરવામાં આવ્યું. આ બદલ હું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. હું ઈઝરાયલ દ્વારા કરાયેલા સન્માનને 140 કરોડ ભારતીયો અને ભારત-ઈઝરાયલ મિત્રતાને સમર્પિત કરું છું.’
વડાપ્રધાને સંબોધમાં અનેક સમજૂતીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું છે કે, બંને દેશોના સંબંધો તમામ કસોટીઓમાં સફળ થયા છે. તેમણે ભવિષ્યમાં બંને દેશો વચ્ચે થનારી સમજૂતીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત ભવિષ્યમાં ‘ટૅક્નોલૉજી’ને વધુમાં વધુ મહત્ત્વ આપીને તેમાં ભાગીદારી વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બેઠકમાં બંને નેતાઓ વચ્ચે (1) સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો, (2) ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટૅક્નોલૉજી પાર્ટનરશિપ, (3) સેન્ટર ઑફ એક્સેલન્સ અને વિલેજ ઑફ એક્સેલન્સ (4) ઇન્ડિયા ઈઝરાયેલ એકેડેમિક ફોરમ (5) વિવિધ ક્ષેત્રોમાં MoU – રક્ષા, સુરક્ષા, વેપાર, ટૅક્નોલૉજી અને કૃષિ (6) આતંકવાદ વિરુદ્ધ સહયોગ વધારવા મુદ્દે સમજૂતી થઈ છે.
વડાપ્રધાને એવું પણ કહ્યું છે કે, બંને દેશો વચ્ચે ભવિષ્યમાં પણ અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર થશે, જેમાં ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવશે. આ ઉપરાંત કેર ગિવર્સ સહયોગનો વિસ્તાર વધારાશે, ફ્યુચર રેડી ફાર્મિંગ અને IMEC કોરિડોર અને I2U2 પ્રોજેક્ટ્સની પણ સમજૂતી કરવામાં આવશે.
વડાપ્રધાને કહ્યું છે કે, ભારતમાં ઈઝરાયલના સહયોગથી સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે, જેની સંખ્યા 100 સુધી લઈ જવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત ‘વિલેજ ઑફ એક્સેલન્સ’ પણ બનાવવામાં આવશે અને તેનાથી ઈઝરાયલની ટેક્નોલૉજી ભારતના ગામડાંઓ સુધી પહોંચશે, જેનાથી ભારતના લોકોને લાભ થશે. અમે ફ્યુચર રેડી ફાર્મિંગની દિશામાં આગળ વધીશું. આનાથી ખેતી પદ્ધતિને અનેક ઘણો ફાયદો થશે.
