જી. કે. જન. હોસ્પિ.ના ડાયેટ વિભાગ દ્વારા છેલ્લા ૩ મહિનામાં ૩૭ જેટલા મેદસ્વિતા સમસ્યાગ્રસ્ત લોકો સાથે કર્યો પરામર્શ

બેઠાડુ અને  બિન આરોગ્યપ્રદ ખાનપાન જીવનશૈલીને કારણે મેદસ્વિતામાં વધારો થઈ રહ્યો છે. સરકારે પણ મેદસ્વિતા ઘટાડવા માટે ઝુંબેશ શરૂ કરી છે. પરિણામે બાળકોથી લઈ વડીલોમાં જાગૃતિ આવી રહી છે. અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના ડાયેટ વિભાગમાં મેદસ્વિતા ઘટાડવા માટે ખાણીપીણીની જીવનશૈલી સુધારવા માટે માર્ગદર્શન મેળવવા આવી રહ્યા છે.

હોસ્પિટલના ખાધ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વિભાગમાં છેલ્લા ત્રણ માસમાં લગભગ ૩૭ જેટલા આ સમસ્યાથી અસ્વસ્થ લોકોએ માર્ગદર્શન મેળવી  અને નિયમિત અંતરે પરામર્શ કરે છે. ડાયેટિશ્યન તન્વીબેન  મજેઠીયા અને પૃથ્વીબેન લખલાણીના જણાવ્યા મુજબ શરીરનું વજન સ્વાસ્થ્ય માટે  મહત્વપૂર્ણ હિસ્સો હોવાથી આરોગ્ય ઉપર અસર કરે છે. વજન ઘટાડવા લોકો અનેક ઉપાય કરે છે. જોકે અત્રેથી તેમને ધીમે ધીમે વજન ઘટાડવાની સલાહ આપવામાં આવે છે. કારણકે જલ્દી વજન ઓછું કરવામાં આવે તો એટલીજ ઝડપથી વધે છે.

વજન ઘટાડવા માટે રોજિંદા ખોરાકમાં કેલેરી ઉપર નિયંત્રણ, જંકફુડ, પ્રોસેસીંગ ખોરાક બંધ કરવા, પ્રોટિન અને ફાઇબરયુક્ત પદાર્થો લેવા, રોજ ૩૦ – ૪૫ મિનિટ કસરત જેમકે ચાલવું – દોડવું – દોરડા કૂદવા, સાયકલિંગ અને મેડિટેશન કરવું. જીવનશૈલીમાં સુધાર, તણાવ ઓછો કરવો અને પુરતી ઊંઘ તેમજ પાણી વધુ પીવા ઉપર ખોરાક  નિષ્ણાત ઉર્વીબેન મોતાએ જણાવ્યું હતું.

વજન વધવાના કરણો અંગે તેમણે કહ્યું કે, શારીરિક પ્રવૃતિનો અભાવ, બેઠાડું જીવન, હોર્મોન્સ અસંતુલન, થાઇરોઇડ સમસ્યા, અપૂરતી ઊંઘ અને તણાવ, પાચનશક્તિ નબળી, બહારના બિનઆરોગ્યપ્રદ ખોરાક અને ઠંડાપીણાંનું સેવન જેવા કારણ અને વારસાગત કરણો પણ જવાબદાર છે.

વજન ઘટાડવા માટે કેટલીક ગેર માન્યતાઓ ઉપર પ્રકાશ પાડતા ડાયેટિશ્યન્સ કહે છે કે, લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે, ન ખાવાથી વજન ઊતરશે  પણ આવા પ્રયોગ બીજા રોગ નોતરી શકે છે. સવારે કસરત કર્યા પછી નાસ્તો કરવાનું ટાળવાથી વજન ઘટશે  એ પણ ખોટું છે. વળી વજન ઉતારવા અને તાત્કાલિક પરિણામ લાવવા દવા, પાવડર લેવાની બિન આરોગ્યપ્રદ માન્યતા પણ એટલીજ અપ્રસ્તુત હોવાનું તેમણે કહ્યું હતું.

Leave a comment