ધોલેરામાં દેશનું સૌથી મોટું ગ્રીન AI ડેટા સેન્ટર સ્થપાશે

ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ઉભરી આવવા માટે એક મોટું કદમ ઉઠાવ્યું છે. નવી દિલ્હીમાં આયોજિત ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ દરમિયાન ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે લાર્સન એન્ડ ટુબ્રો (L&T) વ્યોમા સાથે વ્યૂહાત્મક સમજૂતી કરાર (MOU) કર્યા છે. 25 હજાર કરોડના પ્રોજેક્ટના આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) ખાતે 250 MW ક્ષમતાનું અત્યાધુનિક ‘ગ્રીન AI રેડી હાઇપરસ્કેલ ડેટા સેન્ટર’ સ્થાપવામાં આવશે. જે 2028માં કાર્યરત થઈ જશે.

ગુજરાતની AI પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર દ્વારા આ વર્ષના બજેટમાં AI અને ડિજિટલ ગવર્નન્સ પહેલ અંતર્ગત ₹850 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે

આ મહાપ્રોજેક્ટના અમલીકરણથી કન્સ્ટ્રક્શન, એન્જિનિયરિંગ, IT, ક્લાઉડ ઓપરેશન્સ અને ડિજિટલ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો નવી રોજગારીની તકો ઊભી થશે. આ ડેટા સેન્ટર માત્ર ડેટા સ્ટોરેજ પૂરતું મર્યાદિત ન રહેતા ક્લાઉડ કમ્પ્યુટિંગ, AI પ્રોસેસિંગ અને એડવાન્સ્ડ એનાલિટિક્સ માટેનું વૈશ્વિક હબ બનશે. આ પહેલ ગુજરાતની IT/ITeS નીતિ 2022-27ને વેગ આપશે અને આંતરરાષ્ટ્રીય ટેક કંપનીઓને રાજ્ય તરફ આકર્ષશે.

આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના AI માટેના ‘MANAV’ વિઝન (નૈતિકતા, જવાબદારી, ડેટા સાર્વભૌમત્વ, સર્વસુલભ ટેકનોલોજી અને માન્ય પ્રણાલીઓ) પર આધારિત છે. ડિજિટલ ગવર્નન્સ અને AI ના વિકાસ માટે ગુજરાત સરકારે તાજેતરના બજેટમાં 850 કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી પણ કરી છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ગુજરાતને ભવિષ્યના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રણી બનાવશે. રાજ્ય સરકાર આ પ્રોજેક્ટ માટે જરૂરી તમામ વહીવટી મંજૂરીઓ અને માળખાગત સુવિધાઓ ઝડપથી પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

Leave a comment