રાજધાની દિલ્હીના ભારત મંડપમાં ચાલી રહેલા ‘ઈન્ડિયા એઆઈ સમિટ-2026’માં આજે ભારે વિવાદ ઉભો થયો છે. વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ AI સમિટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવવાની સાથે દેખાવો કર્યા છે. કાર્યકરોએ સમિટમાં આવીને શર્ટ ઉતારીને વિરોધ પ્રદર્શન કરતા ભાજપ આક્રમક બન્યું છે. ભાજપ નેતા સંદિપ પાત્રા, કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ, શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપ આઈટી સેલાના અમિત માલવિયાએ આકરા શબ્દોમાં નિંદા કરી છે.
ભાજપના નેતા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર આક્રમક પ્રહાર કરતા કહ્યું છે કે, કેટલાક દેખાવકારોએ બારકોડ લઈને કાર્યક્રમમાં પ્રવેશ કર્યો હતો અને તેઓએ વિરોધના ભાગરૂપે પોતાની ટી-શર્ટ ઊંધી પહેરેલી હતી. એઆઈ સમિટમાં આ દેખાવો કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ તે એક ષડયંત્ર છે. અને તેની પાછળ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીનો હાથ છે. ગાંધી પરિવારની હાજરીમાં એઆઈ સમિટમાં દેખાવ કરવાનું ષડયંત્ર રચાયું હતું. આ આખો પ્લાન રાહુલ ગાંધીના નિવાસસ્થાને ઘડવામાં આવ્યો હતો.
ભાજપ સાંસદ પાત્રાએ કહ્યું કે, ‘સમિટમાં થયેલા દેખાવો કોઈ યુવા કોંગ્રેસ દ્વારા રસ્તા પર રચવામાં આવેલું ષડયંત્ર નથી. આ રાહુલ ગાંધીના નિવાસ્થાને રચવામાં આવેલું ષડયંત્ર છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના હાજરીમાં આ યોજના ઘડવામાં આવી હતી. આ એક પ્રયોગ છે, કોઈ સંયોગ નથી. રાહુલ ગાંધી અને કોંગ્રેસ ગદ્દાર છે, દેશના સૌથી મોટા ગદ્દાર છે. જ્યાં દેશની પ્રગતિ થાય છે, જ્યાં ખુશી છવાય છે, ત્યાં તેઓ તેને બગાડી દે છે. આ ગદ્દાર છે.
તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ માટે મારી પાસે માત્ર ત્રણ શબ્દો છે – બેશરમ, બુદ્ધિ વગર, નિર્લજ્જ… આજે તેઓ બેશરમ અને બુદ્ધિ વગરના થઈ ગયા છે. કોંગ્રેસમાં એટલી બુદ્ધી નથી કે, આ સમિટ ભાજપનું નહીં, પરંતુ વિશ્વભરનું એઆઈ શિખર સંમેલન છે. રાહુલ ગાંધીના ઈશારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ જે કર્યું, તેનાથી દેશભરના યુવાઓ નારાજ છે.’
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ વિશ્વ મંચ પર ભારતની છબી ખરાબ કરવા માંગે છે. જ્યારે દેશ ટેકનોલોજીના ક્ષેત્રે મહાસત્તા બની રહ્યો છે, ત્યારે આવું વર્તન દેશના હિતમાં નથી. હાલ દિલ્હી પોલીસ આ મામલે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, ‘જ્યારે દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે કેટલાક લોકોને તકલીફ થાય છે. ભારત હવે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને આવા આંતરરાષ્ટ્રીય આયોજનમાં વિવાદ ઉભો કરવો તે દેશની પ્રગતિ રોકવાનો પ્રયાસ છે.’
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ‘વિશ્વભરના લોકો દિલ્હીમાં યોજાઈ રહેલા એઆઈ સમિટને જોઈ રહ્યા હતા, દુનિયા ટેકનોલોજી અને ઈનોવેશન ક્ષેત્રમાં ભારતમાં વધતા નેતૃત્વની સાક્ષી બની રહી હતી, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ દેશનું ગૌરવ વધારવાના બદલે તેમાં અચડણો ઉભી કરવાનો રસ્તો અપનાવ્યો છે. યુવા કોંગ્રેસે અયોગ્ય વ્યવહાર કરીને આયોજન સ્થળ પર હોબાળો મચાવ્યો તે માત્ર કમનસીબ ઘટના જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની પ્રતિષ્ઠા બગાડવાનો પ્રયાસ પણ છે.’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘દિલ્હીમાં યોજાઈ રહેલા AI સમિટમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ સામેલ છે. કોંગ્રેસ સંગઠને સમિટમાં આજે શરમજનક ઘટના ઉભી કરી છે. આ લોકો દેશને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો દેશની છબી બગાડીને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ‘કોંગ્રેસ કાર્યકર્તાઓએ એઆઈ સમિટમાં પ્રદર્શન કરતા આખો દેશ શરમજનક સ્થિતિમાં મુકાયો છે. આ માત્ર કપડાં ઉતારવાની વાત નથી, પરંતુ ભારત માતાના સન્માનની મજાક ઉડાવવામાં આવી છે. હું સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને પૂછવા માંગું છું કે, શું તમારા માટે રાજકારણ દેશની ગરીમાથી વધુ મહત્ત્વની થઈ ગઈ છે?’
દિલ્હીના ભારત મંડપમમાં હંગામો! AI સમિટ ચાલી રહી છે ત્યારે અચાનક યુથ કોંગ્રેસના કાર્યકરોએ સુરક્ષા કોર્ડન તોડી અંદર પ્રવેશતા દોડધામ મચી ગઈ. અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગ્લોબલ સાઉથની આ પહેલી AI ઈમ્પેક્ટ સમિટમાં 20થી વધુ દેશોના નેતાઓ અને 60 મંત્રીઓ હાજર છે. તેવામાં 10 જેટલા કાર્યકરો QR કોડ દ્વારા એન્ટ્રી મેળવી અંદર પહોંચી ગયા અને ‘PM is Compromised’ ના નારા લગાવ્યા. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક કાર્યકરોની અટકાયત કરી તેમને તિલક માર્ગ પોલીસ મથકે ખસેડ્યા છે.
