વરસામેડી વિસ્તારમાં એરપોર્ટ રોડ પર સ્થિત ‘રાજવી ક્લાસિક’ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ખાતે નાગેશ્વર મહાદેવ મંદિરનો ત્રિ-દિવસિય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ તા.13 થી 15 ફેબ્રુઆરી દરમિયાન સંપન્ન થયો હતો. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર સંકુલ શિવમય બન્યું હતું.
પ્રથમ દિવસે શોભાયાત્રા, યજ્ઞશાળા પ્રવેશ અને વિવિધ દેવતાઓની સ્થાપના સહિતના વિધિ-વિધાન પંડિત રમેશ કોગ્નિકજી મહારાજ અને તેમની ટીમ દ્વારા સંપન્ન કરાયા હતા.મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ડો. ભાવેશભાઈ આચાર્ય, ડો. નીમાબેન આચાર્ય, મુકેશભાઈ આચાર્ય અને ડો. આરતી આચાર્ય દ્વારા ભગવાન શિવનો વિશેષ રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો.
માર્ગમ ડાન્સ એકેડેમીના કલાકારોએ શિવ સ્તુતિ પર નૃત્ય, લોકગાયક નંદલાલ છાંગાએ શિવભક્તિના પદોની રમઝટ બોલાવી શ્રોતાઓને તરબોળ કર્યા હતા. મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્ય મંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ સ્પીકર ડો. નીમાબેન આચાર્યએ તેમનું સ્વાગત કર્યું હતું. આ તકે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મશરૂભાઈ રબારી, મહામંત્રી ધવલભાઈ આચાર્ય, સામજીભાઈ આહીર, દેવેન્દ્રસિંહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
રાજવી ક્લાસિક, રીવેશ એલિગન્સ અને રાજવી રેસિડેન્સી પરિવાર દ્વારા મહાનુભાવોનું સન્માન કરાયું હતું. રાજવી એસ્ટેટ એલએલપીના પ્રમોટર મુકેશ આચાર્યએ જણાવ્યું હતું કે,નાગેશ્વર મહાદેવ મંદિરની સ્થાપનાથી આ સંકુલના 200થી વધુ પરિવારો માટે વાતાવરણ ભક્તિમય બનશે.
