વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ મંગળવારે (3 ફેબ્રુઆરી) સાંજે દિલ્હીના વાણિજ્ય ભવનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર નિવેદન આપ્યું છે. જણાવી દઈએ કે, સોમવારે (2 ફેબ્રુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત બાદ યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ પર સંમત થયા છે. આ અંતર્ગત, વોશિંગ્ટન ભારતીય માલ પર પારસ્પરિક ટેરિફ વર્તમાન 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરશે.
પીયૂષ ગોયલે કહ્યું કે, દેશ આજે વડાપ્રધાન મોદીનો આભાર માની રહ્યો છે. પાડોશી દેશોની સરખામણીમાં ભારતને અમેરિકા સાથે ખૂબ જ સારી ડીલ થઈ છે. અમેરિકા સાથે ભારતના ભવિષ્યને ચાર ચાંદ લગાવનારી ટ્રેડ ડીલ થઈ છે. ભારતને સૌથી સારી ટ્રેડ ડીલ મળી છે. મહિનાઓથી અમેરિકાના અધિકારીઓ સાથે વાત થઈ રહી હતી અને અંતે જનહિતમાં નિર્ણય આવ્યો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારતીય હિતોને પ્રાથમિકતા આપી. આ ડીલ ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત છે.
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા પીયૂષ ગોયલે કહ્યું કે, સામાન્ય રીતે, અમે આ અંગે ગૃહમાં વાત કરવા ઇચ્છતા હતા, પરંતુ અમે સૌએ તે શરમજનક ઘટના જોઈએ. જે રીતે વિપક્ષ, ખાસ કરીને રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ પાર્ટી અને તેના સહયોગી DMK, TMC અને સમાજવાદી પાર્ટીએ આજે ગૃહમાં ખૂબ જ શરમજનક વ્યવહાર કર્યો. તેઓ સ્પીકરની ખુરશી સુધી પહોંચી ગયા અને તેનું અપમાન કર્યું. હું વિપક્ષ અને રાહુલ ગાંધીની આકરી નિંદા કરું છું, જેના કારણે આજે આપણે સંસદમાં બોલવાના બદલે તમને આ માહિતી આપવા માટે અહીં આવવું પડ્યું.
