બાળકમાં પ્રતિક્રિયા આપવાની કે શીખવાની ખામીના સંકેત જણાય તો તબીબી તપાસ જરૂરી બને

~ અદાણી સંચાલિત GAIMS જી. કે. જન. હોસ્પિમાં બાળરોગ અને મનોચિકિત્સા વિભાગના સંયુક્ત ઉપક્રમે સાતત્ય મેડિકલ શિક્ષણ ઉપર સેમિનાર યોજાયો

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં બાળરોગ અને મનોચિકિત્સા વિભાગના સંયુક્ત ઉપક્રમે સાતત્ય મેડિકલ શિક્ષણ અંતર્ગત બાળક ગર્ભમાં હોય ત્યારથી લઈ, જન્મે અને પછી મોટું થાય ત્યાં લાગી શારીરિક અને માનસિક વિકાસને લગતી સમસ્યાઓની ઓળખ અને સારવાર ઉપર સંબંધિત તબીબો માટે સેમીનાર યોજાયો હતો.

હોસ્પિટલના કોન્ફરન્સ હોલમાં આયોજિત આ સેમિનારમાં બાળકની સારવાર અને દેખભાળ અંગે  મહેમાન વક્તા તરીકે દીનદયાળ પોર્ટના કન્સલ્ટન્ટ મનોચિકિત્સક ડો.નીલમ નેનવાણીએ કહ્યું કે બાળકમાં પ્રતિક્રિયા આપવાની  કે શીખવાની ખામી જણાય અથવા એકલું જ રહેતું હોવાના કોઈ સંકેત મળે તો સાવધ થઈ જઈ તપાસ કરાવી લેવી જોઈએ.

આ પ્રસંગે હોસ્પિટલના બાળરોગ વિભાગના હેડ ડો.રેખાબેન થડાનીએ દવાની સારવાર ઉપરાંત ઘરનો માહોલ, સામાજિક માહોલ તેમજ માતાપિતાએ લેવાની થતી કાળજી ઉપર ભાર મૂક્યો હતો. મનોચિકિત્સક ડો રિધ્ધિ ઠક્કરે આવા બાળકની માનસિક નબળી સ્થિતિમાં મનોચિકિત્સક શું કરી શકે એ બાબત ઉપર માર્ગદર્શન આપતા વધુમાં ઉમેર્યું કે  સારવાર સાથે પોષણ અને પ્યાર પણ બાળકના માનસિક વિકાસનો મજબૂત પાયો બની શકે છે. બાળરોગ ક્ષેત્રના આસિ.પ્રોફે.ડો.સંદીપ ટીલવાણીએ બાળક ગર્ભમાં હોય ત્યારે લેવાની થતી કાળજીનું મહત્વ સમજાવ્યું હતું.

આ પ્રસંગે બન્ને ક્ષેત્રના તબીબો તેમજ મીલીટરી હોસ્પિટલના તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment