જી. કે જન. હોસ્પિ.ના મેડિસિન વિભાગના તબીબોએ થાઇરોઇડ અંગે આપ્યો જાગૃતિ સંદેશ

~ નાની ઉંમરની મહિલાઓમાં પણ જોવા મળતી  થાઇરોઇડની સમસ્યા

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબોએ થાઇરોઇડ અંગે જાગૃતિ ફેલાય તે માટે ઝુંબેશ હાથ ધરી હતી અને જણાવ્યું હતું કે આજકાલ નાની ઉંમરની મહિલાઓમાં પણ થાઇરોઇડની સમસ્યા જોવા મળે છે.જો મહિલાઓ થાક અને વજન વધારાની સમસ્યાનો સામનો કરે તો તે હાયપોથેરોઇડ હોવાનો નિર્દેશ કરે છે.

હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડૉ.દેવિકા ભટે કહ્યું કે,થાઇરોઇડ ગ્રંથી શરીરના સામાન્ય કાર્યોના સંચાલન માટે કેટલાક પ્રકારના હોર્મોન ઉત્પન્ન કરે છે,જ્યારે આ ગ્રંથી કોઈ કારણસર નિષ્ક્રિય બની જાય તો વ્યક્તિ શારીરિક અને માનસિક સ્વરૂપે અસ્વસ્થતા મહેસૂસ કરે છે.

થાઇરોઇડ થવાના કરણો અને લક્ષણો:

થાઇરોઇડ ગ્રંથિ અસંતુલિત અને નિષ્ક્રિય થવાના કારણો અંગે તબીબોએ જણાવ્યું કે,વાયરલ સંક્રમણ,તણાવ અને શારીરિક ગતિવિધિ ઓછી કરવી તેમજ વ્યસ્ત દિનચર્યા વચ્ચે મહિલાઓ જંક અને પેકેઝ્ડ ફૂડનું સેવન કરવાને કારણે આ ગ્રંથી પ્રભાવિત થાય છે.લક્ષણો અંગે તેમણે ઉમેર્યું કે,માસિક ધર્મમાં અનિયમિતતા,વજન વધવું અગર ઘટવું,વાળ ખરવા,રૂક્ષ ત્વચા,અવાજ ભારી થવો અને ખરાબ કોલેસ્ટ્રોલ વધી જવાના લક્ષણો જણાય તો તબીબની સૂચના બાદ જરૂરી પરીક્ષણ કરાવી લેવા.

થાઈરોઇડમાં સાવધાની: થાઇરોઇડ માટે સાવધાની રાખવી જરૂરી છે.જો થાઇરોઇડ નિદાન થાય તો તબીબ દ્વારા નિર્દિષ્ટ દવા નિયમિત લેવી, ભોજનમાં પોષક તત્વોના સેવન સાથે ઝીંક અને આયોડિન યુક્ત ભોજન લેવું.વિટામિન ડી માટે ૧૫ મિનિટ તડકો લઈ શકાય,મૌસમી ફળોનું સેવન લાભદાઈ બને છે, આયરન અને મેગ્નેશિયમથી ભરપૂર ખોરાક લેવો,ચાલવું, આયોડિન યુક્ત નમક લેવું,તરવું,ચાલવું અને યોગ કરવા.જ્યારે ખાંડ અને ખાસ તો સેંધાનમકથી પરેજી પાડવી.

Leave a comment