જી.કે. માં હાલે ૨૦ દર્દીઓ સારવાર લે છે:૪ સંપૂર્ણ સાજા થયા

~ જી.કે.જન. હોસ્પિ.ના ત્વચા વિભાગના તબીબોએ કુષ્ઠ રોગ સાથે તે અંગે  પ્રવર્તતી ગેરમાન્યતાને દૂર કરવાને ગણાવ્યો પડકાર

લેપ્રસી અર્થાત કુષ્ઠ રોગ એ કલંક,શાપ કે પૂર્વજન્મના પાપ નથી પણ એક પ્રકારનો રોગ છે.દર્દી નિયમિત સારવાર લે તો તે ચોક્કસ સાજો  થઈ શકે છે.આમ આ રોગ મેડિકલ વિજ્ઞાન સામે દર્દીને સાજા કરવાની સાથે આ રોગ અંગે  પ્રવર્તતી ગેરમાન્યતા દૂર કરી જાગૃતિ ફેલાવવાનો મોટો પડકાર છે. 

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના ત્વચા વિભાગના તબીબ અને આસિ.પ્રો. ડૉ જૂઈ શાહે અને ડો.ઐશ્વર્યા રામાણીએ જણાવ્યું કે, અત્રે હોસ્પિટલ ખાતે હાલમાં ૨૦ કુષ્ઠરોગના દર્દીઓની સારવાર ચાલે છે અને તે પૈકી ૪ દર્દીઓએ સારવાર પૂર્ણ કરીને રોગ મુક્ત થયા છે. 

કુષ્ઠ રોગ અંગે તબીબોએ કહ્યું કે તે એક ચેપજન્ય રોગ છે, જે માયકોબેક્ટેરિયમ લેપ્રે નામના જીવાણુથી થાય છે. આજે આધુનિક ચિકિત્સા પદ્ધતિઓના કારણે દર્દી કુષ્ઠ રોગથી સંપૂર્ણપણે સાજો થઈ શકે છે. મલ્ટી ડ્રગ થેરાપી (MDT) સરકાર દ્વારા નિઃશુલ્ક ઉપલબ્ધ છે અને યોગ્ય તેમજ સમયસર સારવાર લેવાથી રોગને આગળ વધતો અટકાવી શકાય છે તથા વિકૃતિઓથી બચાવી શકાય છે,પરંતુ શરમ સંકોચ કે ડરને કારણે દર્દી તબીબ સુધી પહોંચતો નથી.

કુષ્ઠ રોગના સામાન્ય લક્ષણોમાં શરીર પર સફેદ અથવા લાલાશ ધરાવતા ચાંદા કે ડાઘ દેખાવા, તે જગ્યાએ સંવેદના ઓછી થવી અથવા સુન્નપણું લાગવું, સ્પર્શ, દુખાવો અથવા ગરમ-ઠંડું લાગવાનું ઓછું થવું સામેલ છે. કેટલાક દર્દીઓમાં હાથ-પગમાં ઝણઝણાટ,  કમજોરી અથવા પકડ નબળી થવી જોવા મળે છે. નસો જાડી લાગવી, ખાસ કરીને કાનની પાછળ, કોણી પાસે અથવા ઘૂંટણ પાસે પણ કુષ્ઠ રોગનું લક્ષણ હોઈ શકે છે. ઘાવ સાજા ન થવા, વારંવાર ઘા પડી જવા, આંખોમાં સુકાપો અથવા પાંપણ પૂરતી બંધ ન થવી જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે,એમ ડો.ટ્વિંકલ રંગનાનીએ જણાવ્યું હતું.

જો ઉપરોક્ત પૈકી કોઈ પણ લક્ષણો દેખાય તો વિના વિલંબે નજીકની સરકારી હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા ચામડીરોગ નિષ્ણાતની સલાહ લેવી. વિશ્વ આરોગ્ય સંસ્થાની થીમ ૨૦૨૬ મુજબ  સાચો પડકાર કુષ્ઠરોગ નહીં પણ પ્રવર્તતો કલંક છે માટે દર્દીને સન્માનપૂર્વક જીવન જીવવાની તક આપવી અને જાગૃતિ ફેલાવવી એ છે.

Leave a comment