કેન્દ્ર સરકારે ટોલની ચોરી રોકવા માટે મોટો નિર્ણય લીધો

કેન્દ્ર સરકારે હાઈવે પર ટોલની ચોરી રોકવા અને વસૂલાતને વધુ પારદર્શક બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે જો તમારા વાહન પર હાઈવેનો ટોલ ટેક્સ બાકી હશે, તો તમે ગાડીને લગતા જરૂરી દસ્તાવેજી કામો કરી શકશો નહીં. સરકારે આ માટે ‘સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ’માં મહત્વના સુધારા કરીને નવા નિયમો લાગુ કરી દીધા છે.

નવા નિયમો મુજબ, જો ફાસ્ટેગ (FASTag) અથવા મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમમાં તમારા વાહન પર ટોલની રકમ બાકી બોલતી હશે, તો વાહન ટ્રાન્સફર, ફિટનેસ સર્ટિફિકેટ, નેશનલ પરમિટ સુવિધાઓ અટકાવી દેવામાં આવશે.

જો તમે ગાડી કોઈ બીજાના નામે ટ્રાન્સફર કરવા માંગતા હશો, તો તેના માટે જરૂરી NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મળશે નહીં.

વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ રિન્યુ કરવામાં આવશે નહીં.

કોમર્શિયલ વાહનો માટે નેશનલ પરમિટ જારી કરવામાં આવશે નહીં.

હવેથી જ્યારે પણ વાહન માલિક NOC માટે અરજી કરશે, ત્યારે તેમણે સ્પષ્ટપણે જણાવવું પડશે કે વાહન પર કોઈ ટોલ બાકી નથી. જો ટોલ નાકા પરથી પસાર થતી વખતે સિસ્ટમમાં એન્ટ્રી થઈ ગઈ હોય પરંતુ પેમેન્ટ ન થયું હોય, તો પણ તેને બાકી રકમ જ ગણવામાં આવશે. સરકારનું કહેવું છે કે આગામી સમયમાં દેશભરમાં ‘બેરિયર-ફ્રી’ (નાકા વગરની) ટોલ સિસ્ટમ લાગુ થવાની છે, ત્યારે આવા નિયમો ડિજિટલ સિસ્ટમને વધુ મજબૂત બનાવશે.

Leave a comment