કોંગ્રેસે શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે, વડાપ્રધાન મોદીએ ટ્રમ્પના દબાણમાં આવીને ઈરાનના ચાબહાર પોર્ટને ખાલી કરી દીધો છે. કોંગ્રેસે પોતાના ‘X’ (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પર દાવો કર્યો કે, મોદી સરકારે ચાબહાર પ્રોજેક્ટમાં દેશની જનતાના 120 મિલિયન ડૉલર (આશરે ₹1100 કરોડ) રોક્યા હતા અને હવે આ નાણાં પાણીમાં ગયા છે. અમેરિકા સામે નમીને ભારતે અહીં પોતાની કામગીરી અટકાવી દીધી છે.
કોંગ્રેસના આ આરોપોનું વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સત્તાવાર રીતે ખંડન કર્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે, ઈરાનના ચાબહાર પોર્ટની યોજના કાર્યરત છે અને તેને આગળ વધારવા માટે ભારત અને અમેરિકા વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. અમેરિકાએ ઈરાન પરના પ્રતિબંધો છતાં ભારતને ચાબહાર પોર્ટનું કામ ચાલુ રાખવા માટે વિશેષ ‘સેન્ક્શન એક્ઝેમ્પશન’ (પ્રતિબંધોમાંથી છૂટ) આપી છે, જેની મુદત 26 એપ્રિલ 2026 સુધી છે.
અમેરિકી સરકારે ગત વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ ચાબહાર પોર્ટ માટે 2018માં આપેલી છૂટ પરત ખેંચી લીધી હતી. જોકે, રાજદ્વારી પ્રયાસો બાદ ભારતને 27 ઑક્ટોબર 2025 સુધી વેપાર કરવાની છૂટ મળી હતી. આ સમયગાળો પૂર્ણ થાય તે પહેલાં જ અમેરિકાએ તેને વધુ 6 મહિના માટે લંબાવી દીધો છે. હવે આ છૂટ 26 એપ્રિલ 2026 સુધી અમલી રહેશે. રણધીર જાયસવાલે જણાવ્યું કે, ઑક્ટોબર 2025માં અમેરિકાના ટ્રેઝરી વિભાગે ભારતને પત્ર મોકલીને આ અંગેના દિશાનિર્દેશો આપ્યા હતા.
