ઇસુનું ૨૦૨૬નું નવું વર્ષ શરૂ થઈ ગયું છે. નવા વર્ષે અન્યોને ભેટ આપવાની સાથે વર્ષ દરમિયાન નીરોગી રહેવાની સોગાદ જાતને આપવાની હવે ખાસ આવશ્યકતા છે.આ એવો અવસર છે,જ્યારે વર્ષ દરમિયાન સ્વયંને તંદુરસ્ત રાખવાનો સંકલ્પ લઈ શકાય છે.
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના જુદા જુદા વિભાગના તબીબોની સલાહ મુજબ જીવનને આરોગ્યમય બનાવવા કેટલાક નિયમોનું જાતેજ પાલન કરવું પડશે તો જ સુખમય જીવન જીવી શકશે.
લેવા જેવો પ્રથમ સંકલ્પ એ છે કે,ડિજિટલ યુગમાં વધુ સ્ક્રીન સમય સ્વાસ્થ્ય ઉપર પ્રતિકૂળ અસર કરે છે.સવારે ઉઠીને અને મોડી રાત સુધી મોબાઇલ ઉપરની વ્યસ્તતા શારીરિક અને માનસિક આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે.બાળકોને પણ તેનાથી દૂર રાખવાનો સંકલ્પ કરાય તો સોનામાં સુગંધ ભળે.
સ્ક્રીન સમય પછી આજે સ્થૂળતા મોટી સમસ્યા બની ગઈ છે.વજન ઘટાડવાનો ઉપાય કરવો એ સ્વાસ્થ્ય માટે મહત્વના પગલાં સમાન છે. ઓછા વજનને કારણે ગંભીર બીમારી જેમકે હદય રોગ ડાયાબિટીસ બીપી વિગેરે તન મનથી દૂર રહેશે.ઓછું બેસો અને વધુ ચાલોનો મંત્ર અપનાવી નિયમિત કસરત કરવાથી તેમજ તબીબ અને ડાયેટિશ્યનની મદદથી મેદસ્વીતા ઘટી શકે છે.
આ બંને ઉપરાંત ત્રીજા સંકલ્પ રૂપે જાતે દવા લેવાને બદલે ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવાય તે જરૂરી છે.તાજેતરમાં મનકી બાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત કરતાં કહ્યું હતું કે, વાતવાતમાં એન્ટિબોટિક દવા લેવાથી અને તે પણ તબીબની સલાહ સિવાય લેવાય તો બીજા રોગને નિમંત્રણ આપવા બરોબર છે.
આ ઉપરાંત જીવનશૈલીને અનુરૂપ નિયમિત કસરત પછી તે યોગા,ચાલવું,સ્વીમીંગ કે કંઈપણ કસરત અપનાવવાનો સંકલ્પ એ સ્વાસ્થ્યની ચાવી છે. નિયમિત અને પૌષ્ટિક ખોરાક,મોસમને અનુરૂપ ફળો,મોટા અનાજ લેવા,પર્યાપ્ત માત્રામાં પ્રોટીન લેવું,આ ઉપરાંત પૂરતું પાણી લઈ શરીરને હાઇડ્રેટ રાખવું,તબીબની સલાહ મુજબ જરૂરી ઊંઘ લેવી.
ક્યારે,કેટલું અને કેવું ખાવ છો તે ધ્યાનમાં રાખવાનો સંકલ્પ લેવાની જરૂરી છે.પરિણામે ઘણા રોગથી બચી શકશે.ખાવા માટે નહીં પણ જીવવા માટે ખાવું જરૂરી છે.એ સૂત્રના આધારે તળેલું,ચરબીયુક્ત અને બહારનું તેમજ અયોગ્ય ખોરાકથી દૂર રહેવું.ઉપરાંત મોઢું પાચનનું પ્રવેશદ્વાર હોવાથી તેની નિયમિત સફાઈનો સંકલ્પ પણ આરોગ્ય તરફનું એક કદમ ગણાશે.આમ કોઈપણ સંકલ્પ નીરોગી રાખશે, એમ તબીબોનું માનવું છે.
