સોના-ચાંદીના ભાવ આજે (12 જાન્યુઆરી) ઓલ ટાઈમ હાઈ પર છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 2,883 રૂપિયા વધીને 1,40,005 રૂપિયા પર પહોંચી ગયો છે. ગઈકાલે એ 1,37,122 રૂપિયા/10g પર હતો. આ પહેલાં 29 ડિસેમ્બર 2025ના રોજ સોનાની કિંમત 1,38,161 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ પર હતી.
જ્યારે એક કિલો ચાંદીની કિંમત 14,475 રૂપિયા વધીને 2,57,283 રૂપિયા પર આવી ગઈ છે. ગઈકાલે એની કિંમત 2,42,808 રૂપિયા પ્રતિ કિલો હતી. આ પહેલાં 7 જાન્યુઆરીના રોજ ચાંદીની કિંમત 2,48,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઓલ ટાઈમ હાઈ પર હતી.
IBJAના સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ નથી હોતા, તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે. આ રેટ્સનો ઉપયોગ RBI સોવરેન ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે એનો ઉપયોગ કરે છે.
2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ
- ગયા વર્ષે એટલે કે 2025માં સોનાની કિંમત 57,033 રૂપિયા (75%) વધી છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 76,162 રૂપિયાનું હતું, જે 31 ડિસેમ્બર 2025ના રોજ 1,33,195 રૂપિયા થઈ ગયું.
- ચાંદીનો ભાવ પણ આ સમયગાળા દરમિયાન 1,44,403 રૂપિયા (167%) વધ્યો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત 86,017 રૂપિયા હતી, જે આ વર્ષના છેલ્લા દિવસે 2,30,420 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ.
કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે, ચાંદીની માગમાં હાલ તેજી છે, જે આગળ પણ જળવાઈ રહેવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં ચાંદી આ વર્ષે 2.75 લાખ સુધી જઈ શકે છે. જ્યારે સોનાની વાત કરીએ તો તેની માંગમાં પણ તેજી જળવાઈ રહી છે. આવી સ્થિતિમાં આ વર્ષના અંત સુધીમાં એ 1.50 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી શકે છે.
