PM મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક પૂર્ણ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ‘સ્વાભિમાન પર્વ’ ઉજવાઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે તેઓ રાજકોટથી હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચ્યા. હેલિપેડથી સોમનાથ મહાદેવ મંદિર સુધી PM મોદીનો રોડ શો પણ યોજાયો હતો

સોમનાથ મંદિર પહોંચી VIP ગેસ્ટહાઉસમાં સોમનાથ ટ્રસ્ટ બેઠકમાં PM મોદીએ અધ્યક્ષતા કરી હતી. જે બાદ વડાપ્રધાન હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિરે ગયા હતા જ્યાં સોમનાથ મહાદેવના દર્શન કરી આરતી પૂજન કર્યા હતા.

મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. બાદમાં PM મોદીએ મંદિર પરિસરની ખુલ્લી જગ્યામાં ઓમકાર મંત્રના જાપ કર્યા હતા અને ડ્રોન શો નિહાળ્યો હતો.

ગુજરાત આવ્યા બાદ શનિવારે સાંજે વડાપ્રધાન મોદી સૌથી પહેલા સોમનાથ પહોંચ્યા. અહીં તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટની ઓફિસમાં બેઠક કરશે તથા સોમનાથ દાદાના દર્શન પણ કરશે. પીએમ મોદી ‘ઓમકાર જપ’માં પણ સામેલ થવાના છે. બીજા દિવસે 11 જાન્યુઆરીએ સવારે સોમનાથ દાદાની પૂજા-અર્ચના બાદ તેઓ ભવ્ય શોભાયાત્રામાં સામેલ થશે અને એક સભાને પણ સંબોધિત કરશે. નોંધનીય છે કે સોમનાથ મંદિરમાં શંખનાદ અને વેદિક મંત્રો સાથે 72 કલાકનો ઓમકાર જપ શરૂ કરવામાં આવ્યો છે. પીએમ મોદીના આગમન પહેલા સોમનાથના તમામ રસ્તાઓ શણગારવામાં આવ્યા હતા. 

PM મોદીના આગમન પહેલા શુક્રવારે સોમનાથમાં સાધુ સંતોએ ડમરૂ સાથે શૌર્ય યાત્રા કાઢી હતી. હર હર મહાદેવના નારા સાથે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. 

સોમનાથમાં પીએમ મોદીની સુરક્ષા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સોમનાથના SP જયદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું, કે પીએમ મોદીના કાર્યક્રમ માટે જળ, થલ અને નભ ત્રણેય સ્તરે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. બે હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 20થી વધુ IPS રેન્કના અધિકારી, વિવિધ ઈન્સ્પેક્ટર, SI અધિકારીઓને પણ તૈનાત કરાયા છે. 

નોંધનીય છે કે ઈસ 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મહાદેવ મંદિર પર આક્રમણ કર્યો હતો. આ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા પર સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. વારંવાર મંદિરને નષ્ટ કરવાના પ્રયાસ છતાં આજે પણ તે આસ્થાનું પ્રતિક બનીને ઊભું છે. આ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેના પણ 75 વર્ષ પૂર્ણ થયા છે. 

11 જાન્યુઆરીએ શૌર્ય યાત્રામાં સામેલ થયા બાદ પીએમ મોદી તે વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપશે જેમણે સોમનાથ મંદિરની રક્ષા કરવામાં પ્રાણ ન્યોછાવર કર્યા. તે પછી પીએમ મોદી રાજકોટ પહોંચશે. અહીં રિજનલ વાઈબ્રેન્ટ ગુજરાત સમિટમાં સામેલ થશે. દોઢ વાગ્યે ટ્રેડ શોનું પણ લોકાર્પણ કરશે. બપોરે બે વાગ્યે તેઓ મારવાડી યુનિવર્સિટીના કાર્યક્રમને સંબોધિત કરશે. તે બાદ સાંજે તેઓ અમદાવાદ પહોંચશે. અહીં સાંજે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી મેટ્રો ફેઝ-2નું લોકાર્પણ કરશે. 

12મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી અમદાવાદમાં જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્જ સાથે મુલાકાત કરશે. બંને નેતા સવારે સાબરમતી આશ્રમ જશે અને 10 વાગ્યે રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેશે. તે પછી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પીએમ મોદી અને ચાન્સલર મર્જ દ્વિપક્ષીય બેઠક પણ યોજશે. જેમાં મહત્ત્વપૂર્ણ કરાર થવાની શક્યતા છે. 

Leave a comment