એક્સને તાત્કાલિક અશ્લિલ અને ગેરકાયદે સામગ્રી હટાવવાનો કેન્દ્રનો આદેશ

કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે ઈલોન મસ્કની માલિકીના એક્સ પ્લેટફોર્મ અને ગ્રોકને આકરી નોટિસ ફટકારી છે. કેન્દ્રની નોટિસમાં આ પ્લેટફોર્મને આદેશ આપવામાં આવ્યો છે કે તાકીદની અસરથી અશ્લિલ અને ગેરકાયદે સામગ્રી હટાવો, નહીંતર કાર્યવાહી માટે તૈયાર રહો. એક્સ પ્લેટફોર્મે આ નોટિસનો હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ આપ્યો નથી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ગ્રોકનો દુરુપયોગ કરીને ઘણાં યુઝર્સ અશ્લિલ સામગ્રી ક્રિએટ કરે છે અને કંપની એના પર અંકુશ લગાવતી નથી.

કેન્દ્ર સરકારે એક્સને આદેશ આપ્યો છે એ પ્રમાણે તુરંત એક્શન લઈને ૭૨ કલાકમાં ડિટેઈલ્ડ અહેવાલ આપવાનો રહેશે. જો કંપની નિર્ધારિત સમયમાં કોઈ પગલાં નહીં ભરે તો ભારતના આઈટી એક્સના ઉલ્લંઘન બદલ આકરી કાર્યવાહી કરાશે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કંપનીની કેટલીય સ્વતંત્રતા અને એઆઈ કન્ટેન્ડ જનરેટ કરવાની પૉલિસી સરકારના કાયદાની વિરૂદ્ધમાં છે. તેનાથી અશ્લિલ કન્ટેન્ટને ઉત્તેજન મળે છે, જે દેશના કાયદાથી વિપરીત છે.

રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને એઆઈ એપ ગ્રોકનો દુરુપયોગ થઈ રહ્યો છે અને મહિલાઓની તસવીરો સાથે છેડછાડ થઈ રહી છે તેથી પગલાં લેવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. અગાઉ એઆઈની મદદથી અશ્લિલ અને વાંધાજનક સામગ્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઠલવાતી હોવાની ચર્ચા સંસદગૃહમાં પણ થઈ ચૂકી છે. તે સંદર્ભમાં આ નોટિસ પાઠવી હોવાનું કેન્દ્ર સરકારે કહ્યું હતું. કેન્દ્ર સરકારની નોટિસમાં કહેવાયું કે એક્સ પ્લેટફોર્મ તેમ જ ગ્રોકમાં ફેક એકાઉન્ટ ખોલવા પર કોઈ અંકુશ નથી. એ એકાઉન્ટ્સમાંથી મહિલાઓની ઈમેજ આપીને ફેક ઈમેજ ક્રિએટ કરવામાં આવે છે. દેશના કાયદા પ્રમાણે આવું ચલાવી લેવાશે નહીં એવી તાકીદ એક્સ પ્લેટફોર્મને કરવામાં આવી છે. તે ઉપરાંત મંત્રાલયે અગાઉ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ગેરકાયદે અને અશ્લિલ કન્ટેન્ટની બાબતે રિવ્યૂ કરવાની તાકીદ કરી હતી. જે પ્લેટફોર્મ્સ એમાં નિષ્ફળ જશે તેમણે ભારતના કાયદા પ્રમાણે કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી બતાવવી પડશે એવું પમ કહેવામાં આવ્યું હતું.

Leave a comment