રાષ્ટ્રીય “રક્તદાતા માસ” તરીકે ઉજવાતા જાન્યુ.માં વધુ ને વધુ રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડવા  અપીલ

~ જી. કે. જન હોસ્પિ.બ્લડબેંક દ્વારા રક્તદાતાઓને અનુરોધ

~ વીતેલા ડિસે માં ૧૪૩૧ બોટલ રક્ત એકત્રિત થયું

રક્તનો કોઈજ વિકલ્પ ન હોવાથી સ્વૈચ્છિક રકતદાનથી જ હોસ્પિટલની બ્લડબેંકમાં લોહી ઉપલબ્ધ બને છે, જે કટોકટીના સમયમાં જીવનરક્ષક સાબિત થાય છે,એમ અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના બ્લડબેંક વિભાગે રાષ્ટ્રીય રક્તદાતા માસ તરીકે ઉજવાતા જાન્યુઆરી ૨૦૨૬માં વધુને વધુ રક્તદાન કરવા રક્તદાતાઓને અપીલ કરી છે.

હોસ્પિટલની બ્લડબેંકના હેડ ડૉ.જીગ્નાબેન ઉપાધ્યાયે રાષ્ટ્રીય રક્તદાતા માસ નિમિતે કહ્યું કે, કચ્છની સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ,સરકારી વિભાગો,ગ્રામ પંચાયતો, ઉદ્યોગ ગૃહો તેમજ વ્યક્તિગત ધોરણે રક્તદાતાઓ રક્તદાન કરી સુંદર ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે આ માસમાં પણ વધુ પ્રમાણમાં રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડવાની વધુ એક તક આવી છે.

તેમના જણાવ્યા મુજબ વીતેલા ડિસેમ્બર માસમાં જિલ્લામાં જુદા જુદા ૧૨ કૅમ્પ યોજી ૧૦૪૦ બોટલ રક્ત એકત્રિત કરાયું હતું જ્યારે હોસ્પિટલમાં ૩૯૧ સ્વૈચ્છિક રક્તદાતાઓએ જાતે આવીને રક્તદાન કરવાની તૈયારી દર્શાવતા  માસ દરમિયાન કુલ ૧૪૩૧ યુનિટ રક્ત ભેગું કરી શકાયું હતું.

જયારે વીતેલા ડિસેમ્બર માસમાં આયોજિત ૧૨ કેમ્પ પૈકી મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્વારા રક્તદાન માટે વિશેષ યોગદાન આપ્યું હતું.આ ઉપરાંત શ્રીપરશુરામ સેના નખત્રાણા,એમ.એચ.ભુજ,શ્રી સેવા સાધના ભુજ,બી.કે.ટી. શ્રી મોટા અંગીયા ગ્રામ પંચાયત,સંત નિરંકારી ભુજ,દયાપર વેપારી એસોસિએશન,ભારત વિકાસ પરિષદ મુન્દ્રા,અક્ષર રેસીડેન્સી,લાયન્સ ક્લબ ઓફ માધાપર અને સુમરાસર ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે, એવી માહિતી બ્લડબેંકના કાઉન્સેલર દર્શન રાવલે આપી હતી.

Leave a comment