પોષ પૂર્ણિમાના શુભ અવસર પર પ્રયાગરાજમાં માઘ મેળો શરૂ થઈ ગયો છે. પ્રથમ સ્નાનથી શરૂ થયેલો આ મેળો 15 ફેબ્રુઆરી, મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે. વિવિધ માર્ગોથી શ્રદ્ધાળુઓ ત્રિવેણી નદીમાં સ્નાન કરવા માટે પહોંચ્યા છે. સવારે 8:00 વાગ્યા સુધીમાં જ 6.5 લાખ લોકોએ ગંગા સ્નાન કરી લીધું છે. અત્યાર સુધીમાં ઘણા પ્રમુખ સંત મહાત્મા સ્નાન કરી ચૂક્યા છે. કિન્નર અખાડાના મહામંડલેશ્વર કલ્યાણી નંદ ગિરી પોતાના અનુયાયીઓ સાથે મેળા વિસ્તારમાં સ્નાન કરવા માટે પહોંચ્યા છે.
શુક્રવારે જ લાખો કલ્પવાસીઓ અને સંન્યાસીઓ સંગમ કિનારે પહોંચી ગયા હતા. વહીવટી અધિકારીઓએ અનુમાન લગાવ્યું છે કે, શુક્રવાર સાંજ સુધીમાં 12 થી 15 લાખ શ્રદ્ધાળુઓ અને કલ્પવાસીઓ મેળા વિસ્તારમાં પહોંચી ગયા હતા. કલ્પવાસીઓ સંગમની રેતી પર એક મહિનાની કઠોર તપસ્યા કરશે, જ્યારે સાધુઓ અને સંતો પોતાના શિબિરોમાં પ્રવચન અને સાધનામાં લીન રહેશે. આ દરમિયાન સંતોના શિબિરોમાં કથા અને ભજન સહિત ઘણી પ્રવૃત્તિઓ પણ થશે.
પ્રથમ વખત માઘ મેળાનો લોગો જારી કરવામાં આવ્યો છે. બીજી તરફ શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટીતંત્રએ ખાનગી કંપનીઓ સાથે વાત કરીને સેવા પણ શરૂ કરી છે, જેનાથી શ્રદ્ધાળુઓ સંગમની નજીક સુધી જઈ શકે. આ સાથે જ પ્રથમ વખત વીજળીના થાંભલાઓ પર QR કોડ લગાવવામાં આવ્યા છે, જેનાથી લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકશે, એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમને મિનિટોમાં જ મદદ મળી જશે.
ડિવિઝનલ કમિશનર સૌમ્યા અગ્રવાલના જણાવ્યા પ્રમાણે આ વર્ષે હેલિકોપ્ટર સેવા અને પેરાગ્લાઇડિંગ સેવા શરૂ કરવામાં આવશે. બીજી તરફ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ચર્ચિત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. સુરક્ષા માટે મેળા વિસ્તારમાં પોલીસ સ્ટેશન, ચોકી, વોટર પોલીસ સ્ટેશન, કંટ્રોલ રૂમ અને વોચ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા છે. AI-આધારિત CCTV કેમેરા જ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.
પોલીસ કમિશનર જોગેન્દ્ર કુમારે જણાવ્યું કે, મેળા વિસ્તારથી લઈને પ્રયાગરાજ કમિશનરેટ સુધી ટ્રાફિક સુગમ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા વિસ્તારમાં 10 ચક્રની સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. તે મુજબ જ ટ્રાફિકનું સંચાલન કરવામાં આવશે. તેના માટે દરેક જગ્યાએ ટીમો તહેનાત કરવામાં આવી છે. મહાવીર અને અક્ષયવત કોરિડોર પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.
ડિવિઝનલ કમિશનર સૌમ્યા અગ્રવાલને મોબાઈલ નેટવર્ક અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તે એક સમસ્યા છે. તેના માટે મોબાઈલ કંપનીઓ સાથે વાત થઈ ગઈ છે. આ સમસ્યાનો ઉકેલ આવી જશે, કારણ કે ડિજિટલ મેળા માટે તેનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નેટવર્ક કનેક્ટિવિટીમાં કોઈ સમસ્યા નહીં રહેશે.
વ્યવસ્થાઓ :
– 17 પોલીસ સ્ટેશન અને 40 પોલીસ ચોકીઓ સ્થાપિત કરવામાં આવી છે.
– 20 ફાયર સ્ટેશન અને 9 ચોકીઓ સ્થાપિત કરવામાં આવી છે.
– 1154 CCTV કેમેરાથી સમગ્ર જિલ્લાની દેખરેખ રાખવામાં આવશે.
– 260 AI આધારિત CCTV કેમેરા દ્વારા મેળા પર રહેશે નજર.
– મેળા વિસ્તારમાં 50 વોચ ટાવર બનાવવામાં આવ્યા છે.
– 01 વોટર પોલીસ સ્ટેશન અને એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.
– 08 કિલોમીટરમાં ડીપ વોટર બેરિકેડિંગ કરવામાં આવશે.
– 02 કિલોમીટરના દાયરામાં જાળીદાર સુરક્ષા વ્યવસ્થા હશે.
– મેળામાં સુરક્ષા માટે 08 QR ટીમ તહેનાત કરી દેવામાં આવી છે.
– જિલ્લામાં વિવિધ સ્થળોએ 900 બેરિયર લગાવવામાં આવ્યા છે.
– આંતરરાજ્ય સરહદ પર 14 ઈમરજન્સી ડાયવર્ઝન હશે.
– મેળા વિસ્તારમાં 75 ડોકટરોને ખાસ તહેનાત કરવામાં આવ્યા છે.
– 206 પબ્લિક એડ્રેસ સિસ્ટમથી લોકોને જાણકારી આપવામાં આવશે.
– મેળા વિસ્તારમાં 50 એમ્બ્યુલન્સ હંમેશા તહેનાત રહેશે.
