ગુજરાત ATS દ્વારા ગાંધીનગરમાંથી ઝડપાયેલા ISISના 3 આતંકીઓનો કેસ હવે NIAને સોંપાયો

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપી પાડવામાં આવેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) ના ત્રણ આતંકીઓનો કેસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને સોંપવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ વિભાગે આ અંગે સત્તાવાર આદેશ જારી કર્યા છે, ત્યારબાદ NIAની અમદાવાદ યુનિટ આ આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરશે.

આ ત્રણેય આતંકવાદી ગ્રુપ સાથે કેવી રીતે જોડાયા અને ફંડિંગ ક્યાંથી આવતું હતું તેની તપાસ થશે. ગુજરાત કે ભારતના અન્ય રાજ્યોમાં તેમના અન્ય કોઈ સાથીદારો કે સ્લીપર સેલ સક્રિય છે કે કેમ તેની વિગતો મેળવવામાં આવશે. કબજે કરેલા લેપટોપ અને મોબાઈલ ફોન દ્વારા ડાર્ક વેબ પર થયેલી વાતચીતની NIA દ્વારા ઝીણવટભરી તપાસ કરાશે.

ગાંધીનગરના અડાલજ નજીક શંકાસ્પદ પ્રવૃત્તિ કરતાં ત્રણ શખ્સોની રવિવારે (9 નવેમ્બર) ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને કેન્દ્રીય એજન્સીઓએ સંયુક્ત અભિયાનમાં ધરપકડ કરી હતી. આ આતંકવાદીઓમાં ચીનથી MBBS કરી ચૂકેલા 35 વર્ષીય ડૉક્ટર અહમદ મોહિઉદ્દીન સૈયદ પણ સામેલ છે, જે ISKPથી જોડાયેલા વિદેશમાં બેઠેલા કટ્ટરપંથીઓના સંપર્કમાં હતા. અહમદની સાથે તેમના બે સાથીઓ મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફી પણ પકડાયા છે. ATSના અનુસાર, આ ત્રણેય અમદાવાદ, લખનઉ અને દિલ્હીમાં આતંકવાદી હુમલાની તૈયારીઓ કરી રહ્યા હતા અને તેમને લાંબા સમયથી દેખરેખમાં રખાયા હતા.

ધરપકડ બાદ ATS ટીમોએ આરોપી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના રહેણાંકની તપાસ કરી હતી. જ્યાં કાળો ISISનો ઝંડો, અનેક મોબાઇલ ઉપકરણો, હાર્ડ ડ્રાઇવ અને મેમરી કાર્ડ મળી આવ્યા. આ સામગ્રીઓ મળવાથી ATSને મોટી સફળતા મળી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સુહેલ વિદેશી હેન્ડલર્સ પાસેથી સૂચનાઓ મેળવી રહ્યો હતો કે રાજ્યમાં કટ્ટરપંથી સામગ્રી ફેલાવી રહ્યો હતો, તે અંગે એજન્સી તપાસ કરી રહી છે.

ધરપકડ કરાયેલા અન્ય એક શંકાસ્પદ આતંકી આઝાદ સુલેમાન શેખની પૂછપરછમાં એક ચોંકાવનારી વાત બહાર આવી છે કે, સુહેલે ધરપકડ પહેલાં તેને કથિત રીતે એક પાર્સલ મોકલ્યું હતું. પાર્સલની સામગ્રી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તપાસ ટીમે તપાસ શરુ કરી છે.

આતંકી આઝાદ શેખે હરિદ્વારમાં મંદિરોમાં રેકી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આતંકી આઝાદ ઘણા સમયથી કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માગતો હતો. આતંકી કટ્ટરવાદી હોવાની જાણ થતાં તેની પત્નીએ તેનો સાથ છોડ્યો હતો.

ATS અનુસાર, ત્રીજો આરોપી ડૉ. અહેમદ સૈયદ ભારતમાં એક મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો. તેનું ડિજિટલ ટ્રેઇલ, દેખરેખથી બચવા માટે ઇરાદાપૂર્વક અને વ્યવસ્થિત પ્રયાસ દર્શાવે છે. ડૉ. અહેમદ અને તેમના હેન્ડલર વચ્ચેની વાતચીતમાં ડિજિટલ પ્રાઇવસી કેવી રીતે જાળવી રાખવી તે અંગેનું સાહિત્ય મળ્યું. જેમાં એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન પર મોડ્યુલ, IP સરનામા છુપાવવા, ડાર્ક વેબને ઍક્સેસ કરવા અને કોડ-આધારિત મેસેજિંગનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે અહેમદ લગભગ સંપૂર્ણપણે એન્ક્રિપ્ટેડ ચેનલો દ્વારા કામ કરતો હતો, વારંવાર પ્લેટફોર્મ અને ઓળખ બદલતો હતો, અને વિદેશમાં હેન્ડલર્સ સાથે વાતચીત કરવા માટે ડાર્ક વેબ પર આધાર રાખતો હતો.

અમદાવાદની હોટલમાંથી બહાર નીકળતો જોવા મળ્યો અહેમદ

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી હોટલની સામે આવેલી હોટલ ગ્રાન્ડ એમ્બેસમાંથી મહત્ત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. ફૂટેજમાં 7 નવેમ્બર 2025ની સાંજે આતંકી ડૉ. અહેમદ સૈયદ હોટલમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો.

તપાસ ટીમે વધુમાં દાવો કર્યો છે કે ડૉ. અહેમદે વાતચીતમાં કોડ શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને તેમના હેન્ડલર્સ સાથે સંપર્ક જાળવવા માટે ડાર્ક-વેબ કોમ્યુનિકેશન ચેનલો પર આધાર રાખ્યો હતો. ડિજિટલ ફોરેન્સિક્સ ટીમો હાલમાં ડીલિટ કરાયેલા ડેટાને ફરીથી મેળવવા અને જપ્ત કરેલા ઉપકરણોમાંથી તપાસ કરી રહી છે.

Leave a comment