બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુનું મોત, ખોકન ચંદ્ર દાસે હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. શરિયતપુર જિલ્લામાં પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દેવાયેલા હિન્દુ દુકાનદાર ખોખન દાસ આખરે જિંદગીની જંગ હારી ગયા છે. બે દિવસ સુધી ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેમનું મૃત્યુ થયું છે. છેલ્લા બે અઠવાડિયામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ક્રૂર અત્યાચારની આ ચોથી ઘટના બની છે, જેણે વચગાળાની સરકારની ભૂમિકા અને લઘુમતીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

સ્થાનિક મીડિયા અને પરિવારના જણાવ્યા અનુસાર, 50 વર્ષીય ખોખન દાસ 31 ડિસેમ્બરની રાત્રે પોતાની દવાની દુકાન અને મોબાઈલ બેંકિંગનો નાનો વ્યવસાય બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે જ એક હિંસક ટોળાએ તેમને રસ્તામાં ઘેરી લીધા. પહેલા તેમના પેટના નીચેના ભાગમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો અને પછી માથા પર પ્રહાર કરાયો. 

આટલેથી ન અટકતા, હુમલાખોરોએ તેમના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. પોતાનો જીવ બચાવવા માટે, ખોખન દાસ કોઈક રીતે નજીકના તળાવમાં કૂદી પડ્યા, જેનાથી આગ તો બુઝાઈ ગઈ, પરંતુ ત્યાં સુધીમાં તેઓ ગંભીર રીતે દાઝી ચૂક્યા હતા. હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે દાઝી જવા અને વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમની જિંદગી બચાવી શકાઈ ન હતી.

ખોખન દાસની પત્નીએ મીડિયા સાથે વાત કરતાં રડતાં-રડતાં કહ્યું, ‘મારા પતિ એક સાધારણ માણસ હતા. તેમની કોઈની સાથે કોઈ દુશ્મની નહોતી. મને સમજાતું નથી કે તેમને આટલી નિર્દયતાથી કેમ મારી નાખવામાં આવ્યા. અમે ફક્ત ન્યાય ઈચ્છીએ છીએ.’

આ પહેલા 24 ડિસેમ્બરે 29 વર્ષીય અમૃત મંડલને કથિત રીતે ટોળાએ માર મારીને હત્યા કરી નાખી હતી. જ્યારે 18 ડિસેમ્બરે 25 વર્ષીય દીપુ ચંદ્ર દાસ પર ઈશનિંદાનો ખોટો આરોપ લગાવીને ફેક્ટરીની અંદર જ ટોળાએ તેની હત્યા કરી, તેના શબને ઝાડ પર લટકાવીને આગ લગાવી દીધી હતી.

મુહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારે કેટલાક મામલાઓની નિંદા તો કરી છે, પરંતુ ઘણી વખત ઘટનાઓ પાછળ સાંપ્રદાયિક કારણો હોવાનો ઇનકાર કરીને તેને ગુનાહિત કે ખંડણી સંબંધિત ગણાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. જોકે, માનવાધિકાર સંગઠનો અને પીડિત પરિવારોએ સરકારના આ દાવાઓ પર સતત સવાલો ઉઠાવ્યા છે. 

Leave a comment