ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યા માટે ભરતીની શારીરિક કસોટીની તારીખ જાહેર કરી છે.
ગુજરાત પોલીસ દળમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ (LRD) અને PSIની કુલ 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 21 જાન્યુઆરીથી રાજ્યના વિવિધ સેન્ટરો પર દોડ અને અન્ય શારીરિક કસોટીઓનો વિધિવત પ્રારંભ થશે.
ગુજરાત પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા આ મેગા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PSI અને LRD (કોન્સ્ટેબલ)ની કેડરનો સમાવેશ થાય છે. આ ભરતી પ્રક્રિયા માટે રાજ્યભરમાંથી લાખો ઉમેદવારોએ ઓનલાઈન અરજીઓ કરી હતી, જેઓ છેલ્લા ઘણા સમયથી મેદાનમાં પરસેવો પાડી રહ્યા છે.
શારીરિક કસોટીની મુખ્ય વિગતો:
ક્યારથી શરૂ થશે: 21 જાન્યુઆરીથી.
કઈ કેડર માટે: PSI અને LRD (બંને માટે સંયુક્ત પરીક્ષા પદ્ધતિ મુજબ).
ક્યાં યોજાશે: રાજ્યના વિવિધ પોલીસ હેડક્વાર્ટર અને નક્કી કરેલા મેદાનો પર.
કોલ લેટર: ઉમેદવારો ટૂંક સમયમાં જ ઓફિશિયલ વેબસાઈટ પરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
પોલીસ ભરતી બોર્ડ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ શારીરિક કસોટી અત્યંત પારદર્શક રીતે અને ટેકનોલોજીના ઉપયોગ સાથે લેવામાં આવશે. દોડ માટે RFID ચીપનો ઉપયોગ કરવામાં આવશે જેથી સમયની સચોટ નોંધણી થઈ શકે. મેદાનો પર સીસીટીવી કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર વેબસાઈટ પરની માહિતીને જ સાચી માનવા અપીલ કરવામાં આવી છે. શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો જ આગામી લેખિત પરીક્ષા માટે લાયક ઠરશે.
કુલ જગ્યાઓ અને કેડર મુજબ વિગતો
• પીએસઆઈ કેડર (PSI Cadre) – કુલ 858 જગ્યા
• બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-659
• હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-129
• જેલર ગ્રૂપ 2- 70
• લોકરક્ષક કેડર (Lokrakshak Cadre) – કુલ 12,733 જગ્યા
• બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002
• જેલ સિપાહી (પુરુષ): 300
• જેલ સિપાહી (મહિલા / મેટ્રન): 31

