‘બ્લેક ગોલ્ડ’ના વિશ્વના સૌથી મોટા ખજાના પર અમેરિકાની નજર

અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરી રાતોરાત ત્યાંનાં પ્રમુખને કેદ કરી લેતા લેટિન અમેરિકામાં ખળભળાટ મચ્યો છે. વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં હુમલો કરવામાં આવ્યો અને નિકોલસ માદુરો તથા તેમની પત્નીને કેદ કરી દેશ બહાર લઈ જવામાં આવ્યા. જે બાદ સવાલ ઊભો થાય છે કે શું ખરેખર અમેરિકા માત્ર ડ્રગ્સની હેરાફેરી રોકવા આટલી મોટી કાર્યવાહી કરી રહ્યું છે? વેનેઝુએલા સતત આરોપ લગાવતું રહ્યું છે કે અમેરિકાની નજર તેમના તેલ ભંડાર પર છે. 

અમેરિકાના હુમલા બાદ વેનેઝુએલાના સત્તાવાર નિવેદનમાં આરોપ લગાવવામાં આવ્યો કે અમેરિકાનો એકમાત્ર ઉદ્દેશ્ય વેનેઝુએલાના તેલ ભંડાર તથા ખનીજ સંસાધનો પર કબજો લરવાનો છે. અમેરિકાએ સૌથી પહેલા કેરેબિયન સાગરમાં પોતાની નૌસેનાની તૈનાતી વધારી. તે બાદ ડ્રગ કાર્ટેલ વિરુદ્ધ કાર્યવાહી કરતાં વેનેઝુએલાના જહાજો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યા. આટલું જ નહીં પછી અમેરિકા વેનેઝુએલાના ઓઈલ ટેન્કર પણ જપ્ત કરવા લાગ્યું. અમેરિકાનો તર્ક છે કે ઓઈલના કારણે વેનેઝુએલાની માદુરોની સરકાર મજબૂત થઈ રહી છે. ટ્રમ્પે માદુરો પર આરોપ લગાવ્યા કે તેમની સરકાર ડ્રગ્સ કાર્ટેલ સાથે મળીને અમેરિકામાં નશીલા પદાર્થની હેરફેર કરાવે છે. 

2024ની ચૂંટણી બાદથી જ અમેરિકા માદુરોને વેનેઝુએલાના પ્રમુખ માનવા તૈયાર નહોતું. અમેરિકાનો દાવો હતો કે વેનેઝુએલાની જનતા ત્રસ્ત છે અને લોકશાહી ફરીથી લાવવા માંગે છે. આમ વેનેઝુએલા પર હુમલો કરવા માટે અમેરિકા બે મુખ્ય કારણ આપે છે: 1. ડ્રગ્સ પર રોક 2. માદુરોની હટાવી લોકશાહીની સ્થાપના. 

નોંધનીય છે કે વેનેઝુએલા પાસે આ વિશ્વનું સૌથી મોટું તેલ ભંડાર છે. જે 303 અબજ બેરલથી પણ વધુ છે. વેનેઝુએલા પાસે સાઉદી અરેબિયા અને ઈરાન સહિતના તમામ દેશો કરતાં વધુ છે. પરંતુ અમેરિકાના પ્રતિબંધોના કારણે ત્યાં ઓઈલનું ઉપટાડન નથી થતું. રશિયા અને મિડલ ઈસ્ટમાં ચાલતા તણાવની વચ્ચે અમેરિકાને જો વેનેઝુએલાના તેલના ભંડાર મળી જાય તો જોખમ નહિવત્ થઈ જાય. અમેરિકાની રિફાઈનરીઓને ખૂબ સરળતાથી મોટા પ્રમાણમાં ઓઈલ મળી રહે. હાલમાં જ માદુરોએ તણાવ ઓછો કરવા માટે અમેરિકા સામે ઓઈલને લઈને પ્રસ્તાવ આપ્યા હતા. જે સીધા જ સંકેત આપે છે કે અસલ ખેલ તો ઓઈલનો જ હતો. 

Leave a comment