આજના ઝડપી ડિજિટલ અને AI યુગમાં ગ્રામીણ મહિલાઓને સશક્ત, સ્વાવલંબી અને સાયબર છેતરપિંડીથી સુરક્ષિત બનાવવાના હેતુથી અદાણી ફાઉન્ડેશન અને નોલેજ પાર્ટનર ICICI ફાઉન્ડેશનના સહયોગથી કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં “મહિલા ડિજિટલ સાક્ષરતા અને નાણાકીય જાગૃતિ” કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમના પ્રથમ તબક્કાનો પ્રારંભ મોટા કાંડાગરા ગામે ભવ્ય રીતે થયો હતો, જેમાં ગામની ૭૫થી વધુ મહિલાઓએ અપાર ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. મહિલાઓએ ડિજિટલ બૅન્કિંગ, UPI, સાયબર ફ્રૉડ, પોન્ઝી સ્કીમ્સ તથા સરકારી યોજનાઓ વિશે ઉત્સુકતાપૂર્વક પ્રશ્નો પૂછ્યા અને તાલીમ દરમિયાન પોતાની શંકાઓનું નિવારણ મેળવ્યું.
તાલીમમાં નીચે મુજબના મહત્વના વિષયો આવરી લેવાયા હતા:
- બચત ખાતું, ATM કાર્ડ, KYC, CIBIL સ્કોર
- ફિક્સ્ડ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, પેન્શન યોજનાઓ
- પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, આયુષ્માન ભારત, સુકન્યા સમૃદ્ધિ યોજના
- ઓનલાઇન બૅન્કિંગ અને UPIનો સુરક્ષિત ઉપયોગ
- સાયબર ફ્રૉડ, ઓનલાઇન છેતરપિંડી અને પોન્ઝી સ્કીમથી બચવાના ઉપાય
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. મોટા કાંડાગરા ગામના આગેવાનો, ICICI બૅન્ક તથા અદાણી ફાઉન્ડેશનના સ્ટાફ દ્વારા આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોટા કાંડાગરા ગામના સરપંચ શ્રીમતી દેવલબેન ડાયાભાઈ ગઢવીએ જણાવ્યું કે, “અદાણી ફાઉન્ડેશન અમારી દરેક રજૂઆતને ગંભીરતાથી લઈને હંમેશા સાથ આપે છે. અમારા ગામથી આ મહત્વની પહેલની શરૂઆત થઈ એ અમારા માટે ગૌરવની વાત છે. આજે અમારી બહેનોને મળેલું જ્ઞાન જીવનભર કામ આવશે.”
ICICI તરફથી આવેલા અધિકારીઓએ પ્રોજેક્ટરની મદદથી સરળ ભાષામાં સંપૂર્ણ તાલીમ આપી હતી. નાની બચતથી શરૂઆત કરીને સાયબર ફ્રૉડથી સુરક્ષિત રહી શકાય તેવો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. મુંદ્રા તાલુકાની હજારો બહેનો સુધી આ જાગૃતિ પહોંચાડવા અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.
આવનારા સમયમાં અદાણી ફાઉન્ડેશન અને ICICI ફાઉન્ડેશન દ્વારા ૧૦૦૦થી વધુ બહેનોને તાલીમ આપીને અવગત કરવામાં આવશે. બહેનો આવનારા સમયમાં સાયબર ક્રાઇમથી સાવધાન રહીને સ્વમાનભેર જીવન જીવે એવો આ નમ્ર પ્રયાસ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અદાણી ફાઉન્ડેશન તરફથી દેવલબેન ગઢવી તથા પારસ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.
