શિક્ષણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ: અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વરની યશકલગીમાં વધુ બે મોરપીંછ

ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વર (AVMB) એ રાષ્ટ્રીય સ્તરે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. ડિસેમ્બર માસ શાળા પરિવાર માટે અત્યંત ગૌરવપૂર્ણ રહ્યો છે, કારણ કે એક જ મહિનામાં શાળાને શિક્ષણ ક્ષેત્રના બે અત્યંત પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

આ સિદ્ધિની શરૂઆત ગત તા. ૫મી ડિસેમ્બરના રોજ થઈ, જ્યારે બેંગલુરુના ‘ધ તાજ – યશવંતપુર’ ખાતે ‘એજ્યુકેશન ટુડે’ (Education Today) દ્વારા આયોજિત ભવ્ય ‘ઈન્ડિયા સ્કૂલ મેરિટ એવોર્ડ્સ ૨૦૨૫’ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશભરની ૨૧૬૭ થી વધુ નામાંકિત શાળાઓની કામગીરીનું વિવિધ માપદંડો પર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વરને ‘નંબર ૧ સ્કૂલ ઇન કચ્છ (સ્ટેટ બોર્ડ – સીટી વાઈઝ)’ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન શાળાની શૈક્ષણિક ગુણવત્તા, હોલિસ્ટિક ડેવલપમેન્ટ (સર્વાંગી વિકાસ) અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.

સફળતાની આ યાત્રા અહીં જ અટકી નથી. ત્યારબાદ તા. ૨૦મી ડિસેમ્બરના રોજ શિક્ષણ જગતના અન્ય એક મહત્વપૂર્ણ કાર્યક્રમ ‘એજ્યુકેશન લીડરશિપ કોન્ક્લેવ’માં પણ સંસ્થાને ‘નેશનલ શિક્ષા એવોર્ડ’ (National Shiksha Award) થી નવાજવામાં આવી છે. દેશના દિગ્ગજ શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં મળેલું આ સન્માન શાળા દ્વારા શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતા નેતૃત્વ અને સમાજ પર પાડવામાં આવતા હકારાત્મક પ્રભાવને રેખાંકિત કરે છે.

આ બંને રાષ્ટ્રીય સિદ્ધિઓ અંગે શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, “અદાણી વિદ્યા મંદિર માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પરંતુ જીવનઘડતરનું શિક્ષણ આપવામાં માને છે. આ એવોર્ડ્સ અમારા સમર્પિત શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીઓની લગન અને વાલીઓના અતૂટ વિશ્વાસનું પરિણામ છે. આ સન્માન ભવિષ્યમાં અમને વધુ ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે પ્રેરણા પૂરી પાડશે.”

અત્રે ઉલ્લેખનીય છે કે, અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વર ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને આધુનિક અને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડીને તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહી છે, જેની નોંધ હવે રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવાઈ છે.

Leave a comment