બંગાળમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાની PM મોદી સાથે મુલાકાત

પશ્ચિમ બંગાળથી આવનારા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મંગળવારે (30 ડિસેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. બંગાળમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીને લઈને આ મુલાકાત ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન અધીર રંજન ચૌધરીએ ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં બાંગ્લા ભાષી લોકો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. 

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ચૌધરીએ આવા હુમલાઓને રોકવામાં મદદ માટે વડાપ્રધાન મોદીને હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે, આનાથી રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ અને હિંસાની આશંકા છે. 

અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં કહ્યું કે, ‘તેમનો એકમાત્ર ગુનો એ છે કે, તેઓ બાંગ્લા ભાષામાં વાત કરે છે, જેના કારણે સંબંધિત તંત્ર અવારનવાર તેમને પાડોશી બાંગ્લાદેશના લોકો સમજે છે અને ઘુસણખોર સમજી તેમના સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળના અનેક ભાગમાં મુસ્લિમ વસ્તી બહુસંખ્યક છે. આ રાજ્યની સરહદ બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે તેમજ દેશના અન્ય ભાગમાં આવા હુમલાઓના કારણે આ વિસ્તારમાં સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક તણાવ વધી રહ્યો છે. તેથી મારો આગ્રહ છે કે, તમે ભેદભાવ, હિંસા અને દેળના અન્ય ભાગમાંથી આવેલા પ્રવાસી મજૂરોના ઉત્પીડન સામે તમામ રાજ્ય સરકારોને સંવેદનશીલ બનાવો.’

નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના 30 વર્ષીય પ્રવાસી મજૂર જ્વેલ રાણાની ઓડિશાના સંબલપુરમાં બીડીને લઈને થયેલા વિવાદ બાદ બુધવારે હત્યા કરી દેવાઈ. મુંબઈમાં પણ બે પ્રવાસી મજૂરોની બાંગ્લાદેશથી આવેલા ગેરકાયદે પ્રવાસી હોવાની શંકામાં ધરપકડ કરવામાં આવી. પશ્ચિમ બંગાળ પ્રવાસી કલ્યાણ બોર્ડે કહ્યું કે, તેમને 10 મહિનામાં ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં ઉત્પીડન સંબંધિત 1143 ફરિયાદ મળી છે. 

Leave a comment