અદાણી ફાઉન્ડેશને પોતાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ હેઠળ કચ્છના દૂરસ્થ બન્ની વિસ્તારમાં આવેલી “બન્ની સિંધુ સેવા સંઘ” સંસ્થાને સોલાર પેનલ સિસ્ટમની ભેટ આપી છે. આ સિસ્ટમ સંસ્થાની સિંધી સાહિત્ય લાઇબ્રેરી માટે સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી અવિરત વીજળીની સુવિધા મળશે અને સિંધી ભાષા તથા સાહિત્યના સંરક્ષણના કાર્યને વધુ મજબૂતી મળશે.
સંસ્થાના સ્થાપક શ્રી કલાધરભાઈ મુતવા (પ્રખ્યાત નામ કલાધર મુતવા)ની અરજીને માન આપીને અદાણી ફાઉન્ડેશને આ પહેલ કરી છે. ગોરેવલી પંચાયતના પનાવારી ગામમાં આવેલી આ સંસ્થા છેલ્લા ૨૪ વર્ષથી સિંધી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર તથા જતન માટે અવિરત કાર્ય કરી રહી છે. અહીં હજારો સિંધી પુસ્તકોથી સજ્જ એક આકર્ષક લાઇબ્રેરી છે, જેને દેશભરના વિદ્યાર્થીઓ, સંશોધકો તેમજ વિદેશી મુલાકાતીઓ પણ મુલાકાત લઈને સંશોધન માટે ઉપયોગ કરે છે.
શ્રી કલાધરભાઈ મુતવા સ્વયં અનેક રાજ્યો તથા વિદેશમાં સિંધી ભાષા-સાહિત્ય પર વ્યાખ્યાનો આપે છે, જેના કારણે આ સંસ્થા સિંધી કલાકારો અને સાહિત્યપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
બન્ની વિસ્તારમાં વીજળીની અનિયમિતતા અને સંસ્થાની આર્થિક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને અદાણી ફાઉન્ડેશનની ટીમે સંસ્થાની મુલાકાત લઈને તુરંત જ સોલાર પેનલ સિસ્ટમ સ્થાપિત કરી આપી. આનાથી લાઇબ્રેરીમાં અખંડ વીજળીની સુવિધા ઉપલબ્ધ થશે અને મુલાકાતીઓને વધુ ઉત્તમ સેવા મળી શકશે.
સ્થાપક શ્રી કલાધરભાઈ મુતવાએ આ ઉદાર સહાય બદલ અદાણી ફાઉન્ડેશન તથા ચેરપર્સન શ્રીમતી ડૉ. પ્રીતિબેન અદાણીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, “આ સોલાર પેનલની ભેટથી અમારી સંસ્થાને નવું જીવન મળ્યું છે. સિંધી ભાષા-સાહિત્યના જતનના અમારા સ્વપ્નને વધુ મજબૂતાઈ મળી છે.”
અદાણી ફાઉન્ડેશન ખાવડા તથા બન્ની વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, ગ્રામવિકાસ અને ટકાઉ ઊર્જા જેવા ક્ષેત્રોમાં સતત સક્રિય છે. આ પહેલ તેમની સામાજિક પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.
