ઇંગ્લેન્ડે એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. આ સાથે ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયામાં 18 ટેસ્ટ મેચથી ચાલી રહેલા જીતના રાહનો અંત લાવ્યો. આ પહેલા ઇંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયામાં છેલ્લી ટેસ્ટ જીત 2011માં સિડની (SCG)માં મળી હતી.
આ પછી રમાયેલી 18 ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 16 મેચ જીતી, જ્યારે 2 મેચ ડ્રો રહી. ઇંગ્લેન્ડનો આ જીત વગરનો સમયગાળો 2013-14ની એશિઝ સિરીઝમાં 5-0થી હાર્યા પછી શરૂ થયો હતો.
મેચના બીજા દિવસે શનિવારે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ઇંગ્લિશ ટીમે 6 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગ્સમાં 132 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સમાં 152 રન પર સમેટાઈ ગયું હતું, જ્યારે ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 110 રન જ બનાવી શક્યું હતું.
આ રીતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઇનિંગ્સમાં 42 રનની લીડ મળી હતી, પરંતુ બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડે શાનદાર વાપસી કરીને મેચ પોતાના નામે કરી લીધી. મેચમાં કુલ 7 વિકેટ લેનાર ઇંગ્લિશ પેસર જોશ ટંગને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો.
175 રનના ટાર્ગેટને ચેઝ કરતા ઇંગ્લેન્ડને બીજી ઇનિંગ્સમાં સારી શરૂઆત મળી. ટીમને પહેલો ઝટકો 51 રન પર લાગ્યો. મિચેલ સ્ટાર્કે બેન ડકેટને ક્લીન બોલ્ડ કર્યો. તેણે 26 બોલમાં 34 રન બનાવ્યા. બ્રાઇડન 6 રન બનાવીને જે રિચાર્ડસનનો શિકાર બન્યો. ત્યારબાદ ઝેક ક્રોલીએ જેકબ બેથેલ સાથે ત્રીજી વિકેટ માટે 47 રનની ભાગીદારી નોંધાવી અને ઇંગ્લેન્ડની સ્થિતિ મજબૂત કરી. ક્રોલી 48 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો. જ્યારે, રૂટ અને બેથેલ વચ્ચે 25 રનની ભાગીદારી થઈ. બેથેલ 40 રન બનાવીને આઉટ થયો. રૂટ 15 રન બનાવીને આઉટ થયો. જ્યારે, કેપ્ટન બેન સ્ટોક્સ બે રન બનાવી શક્યો. હેરી બ્રુક 18 રન અને જેમી સ્મિથ ત્રણ રન બનાવીને અણનમ રહ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક, રિચાર્ડસન અને બોલેન્ડે 2-2 વિકેટ લીધી.
આ પહેલાં, બીજી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે સૌથી વધુ 46 રન બનાવ્યા. કેપ્ટન સ્ટીવ સ્મિથ 24 રન બનાવીને અણનમ રહ્યો. જ્યારે કેમરૂન ગ્રીને 19 રન જોડ્યા. ટીમના આઠ બેટર્સ બે આંકડાનો આંકડો પણ પાર કરી શક્યા નહીં, જેમાં ત્રણ ખેલાડી ઝીરો પર આઉટ થયા. ઇંગ્લેન્ડ તરફથી બ્રાયડન કાર્સએ શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી. બેન સ્ટોક્સે 3 અને જોશ ટંગે 2 વિકેટ લીધી. ગસ એટકિન્સનને 1 વિકેટ મળી.
બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડના ઝડપી બોલર ગસ એટકિન્સન ઇજાગ્રસ્ત થઈને મેદાનની બહાર ચાલ્યો ગયો. બીજા દિવસે પહેલા સેશન દરમિયાન તેના ડાબા હેમસ્ટ્રિંગમાં ઈજા પહોંચી. સવારે એટકિન્સને નાઇટવોચમેન સ્કોટ બોલેન્ડની વિકેટ લીધી, પરંતુ પોતાની પાંચમી ઓવરનો છેલ્લો બોલ નાખતી વખતે તેને તકલીફ અનુભવાઈ. બોલ નાખ્યા પછી તેણે તરત જ પોતાની ડાબો પગ પકડી લીધો અને સારવાર માટે ડ્રેસિંગ રૂમમાં ચાલ્યો ગયો.
તેની જગ્યાએ સબસ્ટિટ્યુટ ફિલ્ડર ઓલી પોપને મેદાનમાં ઉતાર્યો. લંચ પછી એટકિન્સન ફરીથી મેદાન પર પરત ફર્યો નહીં. એટકિન્સને આ ટેસ્ટના પહેલા દિવસે 14 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેલબોર્નમાં રમાઈ હતી. મેચના પહેલા દિવસે શુક્રવારે ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ માત્ર 110 રન જ બનાવી શકી હતી. આમ, ઓસ્ટ્રેલિયાને પહેલી ઇનિંગમાં 42 રનની લીડ મળી હતી.
ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સ 45.2 ઓવરમાં અને ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સ 29.5 ઓવરમાં સમાપ્ત થઈ. એટલે કે 75.1 ઓવરમાં 20 વિકેટ પડી ગઈ. આ 123 વર્ષમાં પહેલીવાર છે, જ્યારે એશિઝ દરમિયાન મેલબોર્નમાં પહેલા જ દિવસે આટલી વિકેટો પડી હોય. આ પહેલા 1901-02માં પહેલા દિવસે 25 વિકેટ પડી હતી.
