કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે રવિવારે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. એક દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસ કામોનું અમિત શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. રવિવારે અમદાવાદમાં આયોજીત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુવા બિઝનેશ મહાસંમેલન અને સંસ્કારમાં ધામમાં નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ ‘નમોત્સવ’માં હાજરી આપશે. દિવસ ભર અલગ અલગ સાત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત અમદાવાદ શહેરના ટ્રાફિક અને શહેરી સૌંદર્યીકરણ માટે મહત્વપૂર્ણ એવા ઇસ્કોનથી પકવાન ચાર રસ્તા સુધીના રૂપિયા 4 કરોડના ખર્ચે ત્યાર થયેલા પાયલોટ સ્ટ્રેચ વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવશે. આ પાયલોટ સ્ટ્રેચ અંતર્ગત ફૂટપાથ, સાયકલ ટ્રેક, સ્ટ્રીટ ફર્નિચર, લૅન્ડસ્કેપિંગ, લાઈટિંગ, સાઈનેજ તેમજ પેડેસ્ટ્રીઅન-ફ્રેન્ડલી ડિઝાઇન સાથે માર્ગને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ માર્ગ વિકાસ પ્રોજેક્ટને ભવિષ્યમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ અમલમાં મૂકવા માટે મોડેલ તરીકે અપનાવવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવીથી ઓગણજ, શીલજ, આંબલી, એપલવુડ, શાંતિપુરા થઈને સનાથલ થઈને સાબરમતી નદી સુધી એશિયાની સૌપ્રથમ વખત માઈક્રો ટનલિંગ પદ્ધતિથી 2400- 2500 મીમી વ્યાસની વેસ્ટર્ન ટ્રંક લાઈન નાખવામાં આવી છે. પેકેજ 1થી પેકેજ 4ની કામગીરી પૂર્ણ થઈ છે, જેમાં 1200 એમ.એમ ડાયાની 9360 મીટર લંબાઇ 1800 એમ.એમ ડાયાની 10781 મીટર લંબાઈ તથા 2400- 2500 એમ એમ ડાયાની 7163 મીટર લંબાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે પૈકી 8125 મીટર લંબાઇની કામગીરી માઇક્રોટનલીંગથી પૂર્ણ કરવામાં આવી છે.
આ લાઈન નાખવાના કારણે ડ્રેનેજના પાણીનો નિકાલ થશે અને તેના કારણે ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા અને ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની અને ગટરો બેક મારવાની સમસ્યામાંથી છૂટકારો મળશે. તેમજ 18થી 20 લાખની લોકોને ડ્રેનેજની સમસ્યામાંથી રાહત મળશે. આવિસ્તારમાં રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો થયા છે. આ વિસ્તારોમાં પાણી, ગટર, સ્ટોર્મ વોટર લાઈન સહિતની પ્રાથમિક સુવિધા પૂરી પાડવાના ભાગરૂપે મેઈન ટૂંક લાઈનમાં ઉપરોક્ત તમામ વિસ્તારોનાં ગટરનાં પાણીનાં નિકાલ માટેની લાઈનોનાં જોડાણ કરી આપવામાં આવશે.
વણઝર ગામના લોકો માટે અગાઉ પૂર બાદ પુનર્વસાવટ કરાયેલા નવા વણઝર ગામમાં વસતા લોકોને વર્ષોથી સનદ ન મળવાના કારણે તેઓ પોતાની મિલકત વેચી શકતા નહોતા. લાંબા સમયથી ચાલતી આ સમસ્યાનો હવે અંત આવવા જઈ રહ્યો છે. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેના અંતર્ગત નવા વણઝર ગામના કુલ 308 ઘરોને સનદ આપવામાં આવશે.
આ સંદર્ભે ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે, નવા વણઝર ગામના નાગરિકો વર્ષોથી સનદની રાહ જોઈ રહ્યા હતા. શરૂઆતમાં 239 ઘરોને સનદ ન મળવાના કારણે લોકો મુશ્કેલીમાં હતા, પરંતુ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ પર વિશ્વાસ રાખી આ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી. તેમણે જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને આ વિસ્તારના સાંસદ અમિત શાહ હોવાના કારણે કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકી. પરિણામે 239 નિવાસોની સનદ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવા વણઝર ગામની મુલાકાત લેશે અને લાભાર્થીઓને સનદનું વિતરણ કરશે. આ ક્ષણ નવા વણઝર ગામ માટે ઐતિહાસિક દિવસ સાબિત થશે.
વિશ્વ ઉમિયા ધામ ખાતે યોજાનાર યુવા બિઝનેસ મહાસંમેલનને લઈ તડામર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત ભરમાંથી અંદાજે 20 હજારથી વધુ યુવા બિઝનેસમેન આ મહાસંમેલનમાં ભાગ લેશે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને દુબઈથી પણ પાટીદાર બિઝનેસમેન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ મહાસંમેલનમાં મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના પાટીદાર મંત્રીઓ અને ધારાસભ્યો પણ હાજર રહેશે.
યુવા ઉદ્યોગકારોને માર્ગદર્શન અને પ્રેરણા આપવા માટે આ મહાસંમેલન મહત્વપૂર્ણ બની રહેશે. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત પાટીદાર સમાજના મંત્રીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. મહાસંમેલન દરમિયાન ઉદ્યોગ, વેપાર અને સ્ટાર્ટઅપ્સને લગતા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. વિશ્વ ઉમિયા ધામ ખાતે યોજાનાર આ યુવા બિઝનેસ મહાસંમેલન ગુજરાતના યુવા ઉદ્યોગકારો માટે નવી દિશા અને નવી તકો લઈને આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સનાતન વૈદિક ધર્મ આધારિત ભારતીય સંસ્કૃતિના આદર્શોને આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના માધ્યમથી વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ-જાસપુર અમદાવાદમાં વિશ્વની નવમી અજાયબી સમા જગત જનની માં ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ મંદિર નિર્માણનું કાર્ય થઈ રહેલ છે, ત્યારે આત્મનિર્ભર ભારત અને ગામથી ગ્લોબલ અને વિલેજથી વિદેશના ઉદ્દેશ્યથી વિશ્વઉમિયાધામ ખાતે સમસ્ત પાટીદાર સમાજના યુવા મહાસંમેલનનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લામાંથી લગભગ 20 હજારથી વધુ યુવા ઉદ્યોગસાહસિકો પધારશે.
