હવેથી RERAમાં બિલ્ડરો સામે ઓનલાઈન ફરિયાદ કરી શકશો

રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) દ્વારા ઘર ખરીદનારાઓના હિતમાં નિર્ણય કરાયો છે, જે અંતર્ગત હવે મિલકત ખરીદનારા (ગ્રાહકો) બિલ્ડરો સામે કોઈપણ ક્ષતિ કે અન્યાય બદલ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. ખાસ કરીને પઝેશન મોડું મળવું, સ્કીમમાં ફેરફાર અથવા કરાર મુજબની સુવિધાઓ ન મળવી જેવી સમસ્યાઓ માટે હવે ઓફિસના ધક્કા ખાવાને બદલે પોર્ટલ પર સ્ટેપ બાય સ્ટેપ ડિજિટલ પ્રોસેસ દ્વારા ઓથોરિટી સમક્ષ રજૂઆત કરી શકાશે.

આ ઓનલાઈન સુવિધાને કારણે ફરિયાદની પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને ઝડપી બનશે, જેનાથી બિલ્ડરોની મનમાની પર લગામ આવશે અને સામાન્ય નાગરિકોને તેમના હકનું મકાન સમયસર મળી રહે એ માટે GujRERA પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. જાણો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ કેવી રીતે કરવાની રહેશે.

નવી વ્યવસ્થા મુજબ, ઘર ખરીદદારો હવે RERAના સત્તાવાર પોર્ટલ મારફત ઘેરબેઠાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. ઝડપી નિકાલ માટે ઓનલાઈન ફરિયાદોને પ્રાધાન્ય આપવામાં આવશે, જોકે ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ 7 દિવસમાં તેની ફિઝિકલ કોપી RERA કચેરીમાં જમા કરાવવી ફરજિયાત રહેશે.

ફરિયાદ નોંધાવતા સમયે પેમેન્ટના પુરાવા, ઘટનાક્રમની વિગતો સહિત તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફરિયાદની પ્રાથમિક ચકાસણી સીધી RERA સેક્રેટરી સ્તરે થવાથી હવે પ્રક્રિયામાં થતો વિલંબ ઘટશે. ફરિયાદની સ્થિતિ જાણવા માટે RERA ડેશબોર્ડ મુખ્ય પ્લેટફોર્મ રહેશે. સુનાવણીની તારીખ, નોટિસ અને અંતિમ આદેશો તમામ માહિતી ડિજિટલ રીતે ઉપલબ્ધ રહેશે. પ્રથમ નોટિસ બાદ હિતધારકોને નિયમિત ડેશબોર્ડ ચેક કરવું પડશે.

નવી SOPમાં ફરિયાદોને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે: ફોર્મ A: કબજો મોડો મળવો, કરારનો અમલ ન થવો કે રિફંડ જેવી સામાન્ય ફરિયાદો. ફોર્મ B: માત્ર વળતર (Compensation) સંબંધિત દાવાઓ.

આ નવી વ્યવસ્થાથી ઘર ખરીદદારોને રિયલ-ટાઈમ અપડેટ્સ મળશે, જ્યારે બિલ્ડર અને પ્રમોટર્સને તેમનાં ડેશબોર્ડ પર તરત નોટિસ મળતાં તેઓ સમયસર જવાબ આપી શકશે. RERAનું આ પગલું રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વાસ વધારશે અને લાંબા સમયથી અટકેલી ફરિયાદોના ઝડપી નિકાલમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

Leave a comment