રજત મહોત્સવની ભવ્ય ઉજવણી: અદાણી પબ્લિક સ્કૂલની ૨૫ વર્ષની ગૌરવગાથા

અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી પબ્લિક સ્કૂલ, મુંદ્રાએ પોતાની સ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘Echoes of Excellence: APS@25’ શીર્ષક હેઠળ રજત મહોત્સવ તથા વાર્ષિક દિવસની ધૂમધામભરી ઉજવણી કરી. શાળા પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉત્સાહ, આનંદ અને ગૌરવનો અનોખો સંગમ જોવા મળ્યો.

અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ પોતાના હૃદયસ્પર્શી સંદેશમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૦૧માં મુંદ્રામાં એક દિવ્ય સ્વપ્ન જન્મ્યું હતું – એવી શાળા જે માત્ર શિક્ષણ આપે નહીં, પરંતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરે. આજે એ સ્વપ્ન રજત જયંતિના રૂપમાં સાકાર થયું છે. તેમણે શાળા પરિવારને અઢળક શુભકામનાઓ પાઠવી.

શાળાના ડાયરેક્ટર શ્રીમતી અમી શાહના માર્ગદર્શનમાં આ કાર્યક્રમનું અદભૂત આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો શુભારંભ મુખ્ય મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થયો. મુખ્ય મહેમાન તરીકે મુંદ્રા કસ્ટમ કમિશનર શ્રી નિતિન સૈની અને વિશેષ અતિથિ તરીકે મુંદ્રા અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિત શાહ ઉપસ્થિત રહ્યા. આચાર્ય શ્રી હેમંતકુમાર શર્માએ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરી શાળાની ૨૫ વર્ષની સફળ યાત્રાની ઝલક આપી.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ધોરણ ૩થી ૮ના વિદ્યાર્થીઓની રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ હતી. શાળાની ૨૫ વર્ષની ગૌરવગાથાને અનુરૂપ સમૂહ નૃત્ય, દેશભક્તિ ગીતો, નાટકો અને સંગીતની પ્રસ્તુતિઓએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. વિદ્યાર્થીઓની પ્રતિભા, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાએ બધાના હૃદય જીતી લીધા.

મુખ્ય મહેમાન શ્રી નિતિન સૈનીએ પોતાના પ્રેરણાદાયી ભાષણમાં વિદ્યાર્થીઓને શિસ્ત, પરિશ્રમ અને સકારાત્મક વિચારો સાથે આગળ વધવાનું પ્રોત્સાહન આપ્યું.

કાર્યક્રમના અંતે ઉપઆચાર્ય દ્વારા આભારવિધિ કરવામાં આવી અને રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના સૂરો વચ્ચે આ યાદગાર કાર્યક્રમ સમાપ્ત થયો. આ દિવસ શાળા પરિવાર માટે અવિસ્મરણીય અને આનંદમય બની રહ્યો.

બોહળી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓએ શાળાની પ્રવૃત્તિઓની ખૂબ પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવા ભવ્ય કાર્યક્રમોનું આયોજન થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી.

અદાણી પબ્લિક સ્કૂલના આ રજત મહોત્સવે ફરી એકવાર સાબિત કરી દીધું કે શિક્ષણની સાથે સંસ્કાર અને સર્વાંગી વિકાસનું સુંદર સંમિશ્રણ જ ખરા અર્થમાં ઉત્કૃષ્ટતાનું પ્રતીક છે!

Leave a comment