અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ છતાં માઇક્રોસોફ્ટ ભારતમાં 17.5 અબજ ડોલર (લગભગ ₹1.57 લાખ કરોડ)નું રોકાણ કરવા જઈ રહી છે. આ અમેરિકી ટેક કંપનીનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે. આ ફંડનો ઉપયોગ AI, ક્લાઉડ અને ડેટા સેન્ટર જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કરવામાં આવશે.
કંપનીના CEO સત્ય નડેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ મંગળવાર, 9 ડિસેમ્બરે તેની જાહેરાત કરી. તેમણે કહ્યું કે AIના ક્ષેત્રમાં ભારતમાં ઘણી તકો છે. આ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ્સ અને કેપેસિટી વધારવાની જરૂર છે.
માઇક્રોસોફ્ટ ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહી છે. કંપની પાસે અહીં પહેલાથી જ પુણે, મુંબઈ અને ચેન્નઈમાં ડેટા સેન્ટર છે. આ નવા રોકાણથી તેમને વધુ વિસ્તૃત કરવામાં આવશે.
ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી ડિજિટલ ઇકોનોમી છે, જ્યાં ટેક યુઝર્સની સંખ્યા 100 કરોડથી વધુ થઈ ગઈ છે. માઇક્રોસોફ્ટનું આ પગલું સ્થાનિક ટેલેન્ટને પ્રોત્સાહન આપશે અને નોકરીઓનું સર્જન કરશે.
આ રોકાણથી ભારતની GDPને મજબૂતી મળશે. AI અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થવાથી સ્ટાર્ટઅપ્સ, બિઝનેસ અને ગવર્નમેન્ટ સર્વિસિસમાં તેજી આવશે. હેલ્થકેર, એજ્યુકેશન અને એગ્રીકલ્ચરમાં AIનો ઉપયોગ વધશે.
ટ્રમ્પ ભારતમાં રોકાણ કરવાથી અમેરિકી કંપનીઓ પર સતત દબાણ બનાવી રહ્યા છે. આ પહેલા તેમણે એપલને પણ ભારતમાં રોકાણ કરવાની ના પાડી હતી. તેમ છતાં કંપનીએ ભારતમાં રોકાણ કર્યું.
