મીશોના IPOનું લિસ્ટિંગ 50% પ્રીમિયમ પર થયું

ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશોના IPOનું આજે (બુધવાર, 10 ડિસેમ્બર) શેરબજાર (BSE-NSE)માં 50% પ્રીમિયમ સાથે 167 રૂપિયા પર લિસ્ટિંગ થયું છે. હાલમાં કંપનીનો શેર NSE પર 162.50 રૂપિયા અને BSE પર 161.20 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

કંપનીના IPOને ત્રણ દિવસમાં કુલ 81.76 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું. જ્યારે રિટેલ કેટેગરીમાં તેને 19.89 ગણું સબસ્ક્રાઇબ કરવામાં આવ્યું. ગ્રે માર્કેટ મુજબ કંપનીનો શેર લગભગ 40% પ્રીમિયમ સાથે લિસ્ટ થવાનો હતો, જે તેનાથી વધુ રહ્યો છે. મીશો ઉપરાંત, એકસ લિમિટેડ અને વિદ્યા વાયર્સના IPOનું પણ આજે લિસ્ટિંગ થયું છે.

એકસનો શેર 17% પ્રીમિયમ સાથે 145 રૂપિયા પર લિસ્ટ થયો છે. જ્યારે વિદ્યા વાયર્સનો શેર ફ્લેટ ₹52 પર જ લિસ્ટ થયો છે. આ પહેલા ગ્રે માર્કેટમાં એકસનો શેર 20% અને વિદ્યા વાયર્સનો શેર 7% પ્રીમિયમ સાથે કારોબાર કરી રહ્યો હતો.

IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) એ દર્શાવે છે કે લિસ્ટિંગ પહેલાં અનઓફિશિયલ માર્કેટમાં લોકો તે IPO ના શેરને કેટલા રૂપિયા વધુ આપીને ખરીદવા તૈયાર છે. ગ્રે માર્કેટ એક અનઓફિશિયલ રીત છે, જેમાં કેટલાક ટ્રેડર લિસ્ટિંગ પહેલાં જ શેર ખરીદે-વેચે છે.

કારણ કે GMP એ દર્શાવે છે કે લોકો કેટલું પ્રીમિયમ આપવા તૈયાર છે, તેથી મોટાભાગના રોકાણકારો આના પરથી જ અંદાજ લગાવે છે કે શેર લિસ્ટિંગના દિવસે કેટલા રૂપિયા પર ખુલશે. ઘણીવાર ગ્રે માર્કેટ પ્રીમિયમ બિલકુલ સચોટ સાબિત થાય છે, ઘણીવાર થોડું ઉપર-નીચે પણ થઈ જાય છે. પરંતુ આ લિસ્ટિંગ ગેઇનનો અંદાજ લગાવવાની સૌથી લોકપ્રિય રીત છે.

મીશોનો IPO 3 ડિસેમ્બર 2025 થી સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. કંપનીએ પ્રાઇસ બેન્ડ ₹105 થી ₹111 પ્રતિ શેરની વચ્ચે નક્કી કર્યો હતો. IPO 5 ડિસેમ્બરે બંધ થયો હતો. તેનું અલોટમેન્ટ 8 ડિસેમ્બરે થયું હતું. મીશોનો IPO કુલ ₹5,421 કરોડનો હતો. IPO માં ₹4,250 કરોડનો ફ્રેશ ઇશ્યૂ (38.29 કરોડ શેર) અને 1171 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ (10.55 કરોડ શેર) છે.

એક્સ લિમિટેડ ભારતના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગમાં કામ કરે છે. તેના IPOનો પ્રાઇસ બેન્ડ ₹118 – ₹124 રાખવામાં આવ્યો હતો. આ ઇશ્યૂ કુલ ₹921.81 કરોડનો છે. IPOમાં ₹670 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને ₹251.81 કરોડનો ઑફર ફોર સેલ છે.

જ્યારે કોપર અને એલ્યુમિનિયમ વાયર બનાવતી કંપની વિદ્યા વાયર્સ લિમિટેડના IPOનો પ્રાઇસ બેન્ડ ₹48 – ₹52 રાખવામાં આવ્યો હતો. આ ઇશ્યૂ કુલ ₹300.01 કરોડનો છે. IPOમાં ₹274 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને ₹26.01 કરોડનો ઑફર ફોર સેલ છે. એક્સ અને વિદ્યા વાયર્સ બંને IPO 3 ડિસેમ્બરે ખુલ્યા હતા અને 5 ડિસેમ્બરે બંધ થયા હતા. બંનેના શેરની ફાળવણી 8 ડિસેમ્બરે થઈ હતી.

મીશોના ફ્રેશ ઇશ્યૂમાંથી આવનારા ₹4,250 કરોડનો મોટો હિસ્સો ટેકનોલોજી પર જશે. ₹1,390 કરોડ મીશો ટેકનોલોજીસ સબસિડિયરી માટે ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ થશે.

માર્કેટિંગ-બ્રાન્ડિંગ પર ₹1,020 કરોડ ખર્ચ થશે. ₹480 કરોડ મશીન લર્નિંગ અને AI ટીમોના પગાર પર ખર્ચ થશે. બાકીની રકમ ઇનઓર્ગેનિક ગ્રોથ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે છે.

IIT દિલ્હીના બે મિત્રો વિદિત આત્રેય અને સંજીવ બરનવાલે 2015માં મીશો શરૂ કરી હતી. બેંગલુરુના કોરમંગલા વિસ્તારના બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં તેમની ઓફિસ હતી. ડાઇનિંગ ટેબલ જ તેમનું પહેલું વર્કસ્ટેશન હતું. બંનેએ જોખમ લીધું અને નાના-નાના પગલાં ભરીને આગળ વધ્યા.

આ સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ આજે ભારતના મોટા ઈ-કોમર્સ કંપનીઓમાં શામેલ છે, જ્યાં નાના શહેરોની મહિલાઓ રોકાણ વિના ઉત્પાદનો વેચીને કમાણી કરી રહી છે. મીશોની શરૂઆત નાની હતી, પરંતુ ફંડિંગ અને યુઝર ગ્રોથથી તે 50 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ બની ગયો.

આ સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ ગ્રાહકો, વેચાણકર્તાઓ, લોજિસ્ટિક્સ ભાગીદારો અને કન્ટેન્ટ ક્રિએટર્સને એક જ ટેકનોલોજી પ્લેટફોર્મ પર જોડે છે. આનાથી નાના ઉત્પાદકો અને વિતરકો પણ સારો વ્યવસાય કરી રહ્યા છે, જેઓ પહેલા મોટા પ્લેટફોર્મ પર સ્થાન બનાવી શકતા ન હતા.

Leave a comment