વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે આજે (10 ડિસેમ્બર) ફરી એકવાર ફોન પર વાતચીત થઈ હતી. ઈઝરાયેલના વડાપ્રધાને પીએમ મોદીને ફોન કર્યો હતો, આ દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને આતંકવાદ સામે ઝીરો ટૉલરન્સની નીતિ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
એક સત્તાવાર નિવેદન અનુસાર, ફોન પરની વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઈઝરાયેલ (India-Israel Relations) વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં ચાલી રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પરસ્પર લાભ માટે આ સંબંધોને વધુ મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ પણ કરી હતી. વડાપ્રધાન મોદી અને નેતન્યાહૂએ આતંકવાદની સખત નિંદા કરી અને આતંકવાદના તમામ સ્વરૂપો પ્રત્યેના તેમના ઝીરો-ટૉલરન્સના વલણને દોહરાવ્યું હતું.
બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે પણ વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ આ ક્ષેત્રમાં શાંતિ લાવવાના પ્રયાસો માટે ભારતના સમર્થનની પુષ્ટિ કરી હતી, જેમાં ગાઝા શાંતિ યોજનાને વહેલી તકે લાગુ કરવાનો પણ સમાવેશ થાય છે. બંને નેતાઓ સંપર્કમાં રહેવા માટે સંમત થયા હતા.
વડા પ્રધાન મોદી અને ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂ વચ્ચે ઓક્ટોબર મહિનામાં પણ ફોન પર વાતચીત થઈ હતી. તે સમયે પીએમ મોદીએ ગાઝા યુદ્ધને રોકવા માટે પ્રસ્તાવિત ગાઝા શાંતિ યોજના માટે નેતન્યાહૂને અભિનંદન આપ્યા હતા.
