બાબરી બનાવવાની જાહેરાત કરનાર TMC ધારાસભ્ય સસ્પેન્ડ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જિદ બનાવવાની જાહેરાત કરનાર ધારાસભ્ય હુમાયુ કબીરને તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ ગુરુવારે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. કોલકાતાના મેયર ફિરહાદ હકીમે આ માહિતી આપી. મેયરે કહ્યું કે પાર્ટી સાંપ્રદાયિક રાજનીતિમાં વિશ્વાસ કરતી નથી.

TMCમાંથી હાંકી કાઢ્યા બાદ હુમાયુએ કહ્યું, ‘હું મારા નિવેદન પર મક્કમ છું. હું 22 ડિસેમ્બરે મારી નવી પાર્ટીની જાહેરાત કરીશ. વિધાનસભા ચૂંટણીમાં 135 બેઠકો પર ઉમેદવારો ઉતારીશ. હું તે બંને (TMC અને ભાજપ) સામે ચૂંટણી લડીશ.

મુર્શિદાબાદ જિલ્લામાં 28 નવેમ્બરે ઘણી જગ્યાએ બાબરી મસ્જિદના શિલાન્યાસના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. તેના પર લખ્યું હતું કે 6 ડિસેમ્બરે બેલડાંગામાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ સમારોહ યોજાશે. પોસ્ટર પર હુમાયુ કબીરને આયોજક તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વિવાદ વધી ગયો હતો.

TMCમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ હુમાયુ કબીરે કહ્યું, ‘હું 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરીશ. આ મારો અંગત મામલો છે. કોઈ પાર્ટીને આની સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે મને અગાઉ પણ 2015માં 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો હતો. હવે ફરી, આના પર મારે કંઈ કહેવું નથી. તેઓ જે કરવા માંગે તે કરે.’

કોલકાતાના મેયર ફિરહાદ હકીમે કહ્યું કે અમે જોયું કે મુર્શિદાબાદથી અમારા એક ધારાસભ્યએ અચાનક બાબરી મસ્જિદ બનાવવાની જાહેરાત કરી દીધી. અચાનક બાબરી મસ્જિદ કેમ? અમે તેમને પહેલા પણ ચેતવણી આપી હતી. તેમનું આ નિવેદન પાર્ટી લાઇનથી અલગ છે.

ધારાસભ્ય હુમાયુ કબીર દ્વારા બાબરી મસ્જિદ નિર્માણના પ્રસ્તાવ વિરુદ્ધ ગુરુવારે કલકત્તા હાઈકોર્ટમાં એક જનહિત અરજી (PIL) કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું કે હુમાયુ કબીરનો પ્રસ્તાવ બંધારણનું ઉલ્લંઘન કરે છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ડિવિઝન બેન્ચ આ મામલાની સુનાવણી કરી શકે છે.

Leave a comment