~ ૭૫ વર્ષના વૃદ્ધાની આંખમાં ફેલાયેલી જીવલેણ કેન્સરની ગાંઠનું ઓપરેશન કરી મહિલાને આપ્યું જીવતદાન
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના આંખ વિભાગના તબીબોએ ૭૫ વર્ષીય વૃદ્ધાની ડાબી આંખમાં ફેલાયેલી અને જીવાતને કારણે સડી જવાથી દુર્ગંધ મારતી કેન્સરની ગાંઠનું સફળ એક્સેન્ટરેશન ઓપરેશન કરી શરીરમાં ચેપ વધુ ફેલાય અને જીવહાની સર્જાય તે પહેલાં માજીને બચાવી લેવાયા અને આંખની ગંભીર પીડામાંથી મુક્તિ આપવામાં આવી હતી.
આંખમાં જીવાત તેમજ સંક્રમણને પગલે દ્રષ્ટિવિહીન બનેલી ડાબી આંખમાં લાંબા સમયથી અસહય પીડા ભોગવતા માજી માટે આ મુક્તિ ચમત્કારથી લગીરે કમ નહોતી,એવું ઓપરેશન પછી પ્રતિક્રિયા આપતાં તેમણે જણાવ્યું હતું.
હોસ્પિટલના ઓપ્થલ ડિપાર્ટમેન્ટના હેડ ડૉ.કવિતાબેન શાહે માહિતી આપતા કહ્યું કે,માજીને ડાબી આંખમાં સખત દુખાવો, સોજો,આંખમાંથી અવિરત રક્તસ્ત્રાવ અને નિરંતર દુર્ગંધ પ્રવાહી ઝરવાની ગંભીર પરિસ્થિતિની સાથે હોસ્પિટલમાં દાખલ થયા. તેમની આ દુર્લભ અને જોખમી સ્થિતિ ચકાસતા દર્દીની આંખના ખૂણામાં કીડા પડી ગયા(ઓર્બિટલ મેગોસ) હતા પરિણામે ચેપ ફેલાવાના કારણે આ દુઃખદાયક સ્થિતિ થઈ હતી. જેને મેડિકલ ભાષામાં ઓર્બિટલ માયાસિસ કહેવાય છે.
આ પરિસ્થિતિ ઉપરાંત આંખના ઉપરના પાંપણથી છેક નીચેના પાંપણથી લઈ આંખના ખૂણા સુધી ફેલાયેલી કાળી સડી ગયેલી,દુર્ગંધિત અને કીડા પડેલી ગાંઠ પણ જોવા મળતા તાત્કાલિક ડો. શાહ,ડો.અતુલ મોડેસરા અને ડો.નૌરિન મેમણ અને રેસિ.ડો. ટીમે ઓપરેશનનો નિર્ણય લઈ એક સમયસર અને સફળ એક્સેન્ટરેશન ઓપરેશન કરી માજીને વધુ આવરદા આપવાનું ડોક્ટરોએ પુણ્યનું કામ કર્યું. આંખમાં રહેલો ચેપગ્રસ્ત અને સડેલો ભાગ દૂર કરી આંખ ચેપ મુક્ત થતાં તેમજ રક્તસ્ત્રાવ અટકી જતાં માજીને રાહત મહેસૂસ થઈ હતી.
આંખમાં એક્સેન્ટરેશન શસ્ત્રક્રિયા ક્યારે કરાય:
એક્સેન્ટરેશન એક એવી શસ્ત્રક્રિયા છે,જેમાં આંખની ખોળી (orbit)ની અંદરનું તમામ – અંદરના આંખના કણો ,પેશીઓ,ચરબી અને ક્યારેક પાંપણ સુધી પૂર્ણ રીતે દૂર કરવામાં આવે છે.આ શસ્ત્રક્રિયા સામાન્ય રીતે ખતરનાક ચેપ, પ્રસરતો કેન્સર અથવા જીવલેણ બીમારી હોય ત્યારે કરવામાં આવે છે.
