અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રા તાલુકામાં પર્યાવરણમાં નવા પ્રાણ, પક્ષીઓને રહેઠાણ અને સ્થાનિકોને ઔષધીય લાભ આપતું ‘સુંદરવન’

મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશન પર્યાવરણ સંરક્ષણ માટે સતત કાર્યરત રહ્યું છે. તાજેતરમાં મુન્દ્રા તાલુકાના રમણીયા અને બેરાજા ગામોમાં મોટા પાયે વનીકરણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો ઉદ્દેશ્ય 5,500 સ્વદેશી વૃક્ષો વાવીને ચાર એકર જમીનમાં ગાઢ જંગલ બનાવવાનો છે. પર્યાવરણમાં નવા પ્રાણ ફૂંકતી વૃક્ષારોપણની આ ડ્રાઈવ અનેક રીતે સીમાચિહ્નરૂપ છે. અદાણી ફાઉન્ડેશનની ટીમ અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસોથી  ગાઢ જંગલ ત્રણ વર્ષમાં સંપૂર્ણપણે સ્થાપિત થઈ જશે.

આ પ્રોજેક્ટ હેઠળ, રમણીયામાં બે એકર જમીનમાં 3,000 વૃક્ષો અને બેરાજામાં બે એકર જમીનમાં 2,500 વૃક્ષો વાવવામાં આવશે. વાવેતર પ્રક્રિયા દરમિયાન નીંદણ હટાવી જમીનની ફળદ્રુપતા વધારવા તેમજ વાડ અને ટપક સિંચાઈ તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે. નોંધનીય છે કે, લગભગ 40 પ્રકારના સ્વદેશી ફળ, ફૂલ અને ઔષધીય છોડનું રોપણ પક્ષીઓ માટે ખોરાક સુનિશ્ચિત કરશે અને સ્થાનિક સમુદાયને વિપુલ પ્રમાણમાં ઓક્સિજન અને ઔષધીય લાભો પૂરા પાડશે.

આ પહેલ અંતર્ગત ફાઉન્ડેશન દ્વારા બંને ગામોમાં સુંદરવન કુટીર બનાવમાં આવશે, જેનો વડીલો અને પ્રકૃતિ પ્રેમીઓ લાભ લઈ શકશે. સ્થાનિકોએ વનીકરણની આ પહેલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુ છે. રામણીયાના સરપંચ બળવંતસિંહ ગોહિલે ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “આ વૃક્ષારોપણ થકી ઉભુ થનાર વન પક્ષીઓનું માટે નવું આશ્રયસ્થાન બનશે.” તો બેરાજાના સરપંચ લાલુભા જાડેજાએ ગાઢ વન ગામની ટેકરીઓને વધુ મનોહર બનાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં સ્થાનિક સમુદાયના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ અદાણી ફાઉન્ડેશનની પહેલને ભારોભાર બિરદાવી હતી. આ પહેલ માત્ર પર્યાવરણીય લાભોનું વચન આપતી નથી પરંતુ વડીલો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આનંદ માણવા માટે એક જીવંત જગ્યા બનાવવાનો પણ હેતુ ધરાવે છે, જે સમુદાયના અને કુદરતી વાતાવરણ વચ્ચેના બંધનને વધુ મજબૂત બનાવે છે.

કચ્છના અનેક ગામોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે તળાવ સુધારણા, પીવાના પાણી માટે ફિલ્ટર કૂવા તથા ચેકડેમ સુધારણા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. કુદરતી સંસાધનોની જાળવણીને પ્રાથમિકતા આપતા ફાઉન્ડેશને કચ્છના પર્યાવરણનું રક્ષણ અને સંવર્ધન કરી રહ્યું છે.

Leave a comment