આસામમાં બીજા લગ્ન કરવા પર થશે 10 વર્ષની જેલની સજા, વિધાનસભામાં બિલ પસાર

આસામ વિધાનસભાએ બહુપત્નીત્વ(બહુવિવાહ) પર પ્રતિબંધ લગાવવા માટે એક બિલ ગુરૂવાર(27 નવેમ્બર, 2025)ના રોજ પસાર કર્યું. આ કાયદા હેઠળ જો કોઈ એવું કરે છે તો તેને ગુનો ગણવામાં આવશે અને કેટલાક અપવાદોને છોડીને તેના માટે વધુમાં વધુ 10 વર્ષની કેદ થઈ શકે છે. સાથે જ પીડિતને 1.40 લાખ રૂપિયા વળતર આપવાની પણ જોગવાઈ છે.

બિલને અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીના લોકો અને છઠી અનુસૂચિ અંતર્ગત આવતા વિસ્તારોને કાયદો લાગુ નહીં પડે. આસામ બહુપત્નીત્વ નિષેધ વિધેયક, 2025ના પસાર કરવા પર મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, ‘આ કાયદો ધર્મથી ઉપર છે અને ઇસ્લામ વિરૂદ્ધ નથી, જેમ કે એક વર્ગ એવું માની રહ્યો છે.’

બહુપત્નીત્વના દોષિતને કાયદા અનુસાર, સાત વર્ષની જેલ અને દંડની સજા થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ પોતાના હાલના લગ્નને છુપાવીને બીજા લગ્ન કરે છે તો તેને 10 વર્ષ કારાવાસ અને દંડની સજા થઈ શકે છે.

તેમણે કહ્યું કે, ‘હિન્દુ પણ બહુપત્નીત્વથી મુક્ત નથી. આ અમારી પણ જવાબદારી છે. આ બિલના દાયરામાં હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ અને તમામ સમાજોના લોકો આવશે.’ મુખ્યમંત્રી તરફથી તમામ વિપક્ષી સભ્યોને પોતપોતાના સંશોધન પરત લેવાની અપીલ કરવામાં આવી, જેથી ગૃહમાં આ સંદેશ જાય કે મહિલાઓને સશક્ત બનાવવા વિધેયક સર્વસંમતિથી પસાર થઈ ગયો છે.

હિમંતા બિસ્વા સરમાની અપીલ છતાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) અને માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીએ પોતાની સંશોધન અપીલ આગળ વધારી, જેને ધ્વનિ મતથી ફગાવી દેવાઈ. સમાન નાગરિક સંહિતા (UCC) અંગે વાત કરતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, ‘જો તેઓ આગામી વર્ષ આસામ વિધાનસભા ચૂંટણી બાદ ફરીથી મુખ્યમંત્રી બનશે તો તેને આસામમાં લાગુ કરવામાં આવશે.’

તેમણે કહ્યું કે, ‘હું ગૃહને વિશ્વાસ અપાવવા માગુ છું કે જો હું મુખ્યમંત્રી તરીકે ફરી આવું છું તો નવી સરકારના પહેલા સત્રમાં UCC વિધેયક રજૂ કરવામાં આવશે અને તેને લાગુ કરવામાં આવશે. બહુપત્નીત્વ પર પ્રતિબંધ UCCના અમલની દિશામાં એક પગલું છે.’

મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘છેતરપિંડીથી કરાયેલા લગ્ન વિરુદ્ધ ફેબ્રુઆરીના અંત સુધી સત્ર દરમિયાન વિધેયક લવાશે, જેના માટે લવ-જિહાદ અંગે જે કંઈ પણ કહ્યું છે, તેને અમે પૂર્ણ કરીશું.’ તેમણે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, ‘સરકાર લવ જેહાદ પર પ્રતિબંધ લગાવશે અને તેના વિરુદ્ધ એક વિધેયક રજૂ કરશે.’

Leave a comment