પૂર્વ પાક. ક્રિકેટર દાનિશ કનેરિયાએ ગૌતમ અદાણીની 100 કરોડની સખાવતને બિરદાવી

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ભારતીય સંસ્કૃતિના સંવર્ધન કરવાના પ્રયાસોની ભરપૂર પ્રસંશા કરી છે. ગૌતમ અદાણીએ ઈન્ડોલોજી રિવાઈવલ અંતર્ગત સાંસ્કૃતિક સંરક્ષણ માટે કરેલા 100 કરોડ રૂપિયાની સખાવતનો ઉલ્લેખ કરતા તેમણે પાકિસ્તાનમાં મંદિરોની દુર્દશા અંગે ભારોભાર દુખ વ્યક્ત કર્યુ છે.   

પાકિસ્તાનમાં હિન્દુઓની દુર્દશા કોઈનાથી છૂપી નથી. સેંકડો પ્રાચીન મંદિરો ધૂળ ખાઈ રહ્યા છે અને સરકાર કોઈ પગલાં લઈ રહી નથી. ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ તે અંગે દુઃખ વ્યક્ત કરતા સરકાર પર કટાક્ષ કર્યો છે. કનેરિયાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં મંદિરો જર્જરિત હાલતમાં છે. તેમણે ઉમેર્યું હતું કે, “એક હિન્દુ તરીકે, મને દુઃખ છે કે પાકિસ્તાનમાં સેંકડો પ્રાચીન મંદિરો દાયકાઓથી અવગણવામાં આવ્યા છે.”

કનેરિયાએ એમ પણ જણાવ્યુ છે કે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ભારતના સાંસ્કૃતિક સંરક્ષણ માટે 100 કરોડ રૂપિયાનું દાન કરી રહ્યા છે, જે ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે. ગૌતમ અદાણીએ સંસ્કૃતિ અને જ્ઞાનના સંરક્ષણ માટે 100 કરોડ રૂપિયાના દાનનું વચન આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રાચીન સભ્યતાના વારસાને સમાન સન્માન મળવું જોઈએ.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ઇન્ડોલોજી સંશોધનને વિસ્તૃત કરવા, દુર્લભ હસ્તપ્રતોને ડિજિટાઇઝ કરવા, ભારતીય જ્ઞાન અને વિદ્વાનોને સશક્ત બનાવવા તેમજ લાંબા ગાળાની સંસ્થાકીય ક્ષમતાને મજબૂત કરવા માટે અદાણી ગ્લોબલ ઇન્ડોલોજી કોન્ક્લેવ 2025માં ₹100 કરોડના દાનની જાહેરાત કરી છે.

અદાણીએ કોન્ક્લેવ દરમિયાન એમ પણ કહ્યું કે ભારતને ફક્ત આર્થિક શક્તિની જ નહીં, પરંતુ એક એવી સભ્યતાની પણ જરૂર છે જે તેના સાંસ્કૃતિક આત્મવિશ્વાસ અને ઓળખ સાથે ઉત્થાન પામે. તેમણે કહ્યું કે મજબૂત સભ્યતા એ સ્થિર અર્થતંત્ર અને વૈશ્વિક નેતૃત્વનો પાયો છે.

ઉલ્લેખનીય છે કે, અદાણી ગ્રુપ ભારતીય સભ્યતા અને સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવા સીમાચિહ્નરૂપ રાષ્ટ્રીય કાર્યક્રમ ‘ઇન્ડોલોજી રિવાઇવલ’નું આયોજન કરી રહ્યું છે. જેમાં અગ્રણી સંસ્થાઓના પીએચડી વિદ્વાનોને સપોર્ટ આપવા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

Leave a comment