અદાણી સંચાલિત મેડિકલ કોલેજ ખાતે ૧૭મો વ્હાઇટ કોટ સેરેમની યોજાયો

~ તબીબ બનવાની દિશામાં ૧૫૦ નવોદિતોએ મેડિકલ કોલેજમાં પગલા પાડી ચરક સંહિતાના શપથ લીધા

વ્હાઈટ કોટ યાને ડોક્ટર  વિશ્વનો  ઉમદા વ્યવસાય છે, એમ ભુજ અદાણી મેડિકલ કોલેજ ખાતે આયોજિત ૧૭માં વ્હાઇટ કોટ સેરેમની પ્રસંગે તબીબ બનવા મેડિકલ જગતમાં ૧૫૦ નવોદિતોએ પગરણ માંડ્યા તે ટાંકણે ઉપસ્થિત કાર્યક્રમમાં મેડિકલ કોલેજ અને GAIMS ના મહાનુભાવોએ જણાવ્યું હતું.

કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા અંડર ગ્રેજ્યુએટ MBBS બેચ ૨૦૨૫ના શ્રીગણેશ ટાંકણે  વર્ચ્યુલી જોડાયેલા અદાણી હેલ્થ કેર ગ્રુપના હેડ ડૉ.પંકજ દોશીએ  એમ.બી.બી.એસ.કોર્સમાં પ્રવેશ મેળવનાર ભાવિ તબીબોને અને ઉપસ્થિત તેમના પ્રાઉડ પેરેન્ટ્સને  આવકારી  ખાતરી આપતા જણાવ્યું કે,તેમના બાળકોને ગેઈમ્સમાં ઘર જેવું જ વાતાવરણ મળશે માટે તેઓ નચિંત રહે.તેમણે અદાણી હેલ્થ કેર દ્વારા આગામી પ્રોજેક્ટની માહિતી આપી હતી.ઉપરાંત નવા મેડિકલ વિધાર્થીઓને સુંદર ભવિષ્યની કામના પણ કરી હતી.

ગેઈમ્સના ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈએ  મેડિકલ દુનિયામાં પ્રવેશ કરતા સ્ટુડન્ટ્સને આવકારતા કહ્યું કે, તેમનાંમાં રહેલી શક્તિને નિખાર આપવા ગેઈમ્સ સદૈવ તૈયાર રહેશે.વાલીઓને સધિયારો આપતા તેમણે ઉમેર્યું કે,દરેકને અત્રે ઘરાનામેન્ટર રૂપે અનેક વાલીઓ મળશે જેઓ તેમને માર્ગદર્શન આપશે અને માતા પિતાની ખોટ સાલવા નહીં દે.

પ્રારંભમાં મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન.ઘોષે સ્વાગત પ્રવચન કરતા કોલેજની સિદ્ધિઓની યશગાથા પ્રસ્તુત કરી હતી.હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણીએ વ્હાઇટ કોટ ધારણ કરનારને મહર્ષિ ચરકના શપથ ગ્રહણ કરાવ્યા હતા.આ પ્રસંગે ૨૦૨૩ની બેચના ગોદાર સાનિયા અને ૨૦૨૧ બેચના ક્રિષ્ના પ્રવીણ લીંબાણી ને ગોલ્ડ મેડલ અને મહેશ્વરી સુમિત અને લાડુમોર પ્રીતિને સિલ્વર મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આસિ.ડીન ડો.અજીત ખીલનાની,ડો. સચિન પાટીલ અને ડો.હિતેશ આસુદાની તેમજ અધિક મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.વિવેક પટેલ અને ફેકલ્ટીસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોફ.ડો. પારસ પારેખ અને આસિ.મેનેજર ડો.મોનાલી જાનીએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા વિધાર્થી વોલીન્ટિયર્સ,એડમિન સ્ટાફે જહેમત લીધી હતી.સંચાલન ચિરાગ વાળાએ અને જીયા નકુમે કર્યું હતું.

અદાણી મેડિ.કોલેજમાં આ વર્ષે કચ્છના ૪૧ વિધાર્થીઓએ વ્હાઇટ કોટ ધારણ કર્યો: ૪૧ પૈકી ભુજના જ ૨૩: દીકરીઓ મેદાન મારી ગઈ:

કચ્છના વિધાર્થીઓને હવે રીતસરની મેડિકલ અભ્યાસની ભૂખ ઊઘડી હોય તેમ વ્હાઇટ કોટ ધારણ કરવાની વાટ પકડી છે.અદાણી મેડિકલ કોલેજમાં ૧૭મા વ્હાઇટ કોટ સેરેમનીમાં ૧૫૦ વિધાર્થીઓ પૈકી ૨૭ ટકા એટલે કે ૪૧ તો કચ્છના  છે, તેમાંય  ભુજમાં તો જાણે શિક્ષણ અને  મેડિકલ ક્ષેત્રે જાગૃતિના ઘોડાપુર ઉમટ્યા હોય તેમ કચ્છના ૪૧ પૈકી ૨૩ ભુજના છે.હવે આ રીતે ભુજ પણ ગુજરાતના અન્ય નગરની જેમ આ દિશામાં હરણફાળ ભરી રહ્યું છે.બીજી તરફ કચ્છની દીકરીઓએ તો દીકરાઓને પણ પાછળ રાખી દીધા છે.કચ્છના ૪૧ ભાવિ તબીબો પૈકી ૨૬  દીકરીઓ છે ! જ્યારે ૧૫ છોકરાઓ છે. કચ્છના દૂર સુદુર એવા વર્માનગરથી પણ  વિધાર્થીએ પ્રવેશ મેળવ્યા ઉપરાંત માંડવી, આદિપુર  અંજાર ગાંધીધામ,મુન્દ્રા,નખત્રાણા, ભચાઉ અને માધાપરમાં પણ વિધાર્થીઓ તબીબ બનવાની દિશામાં અગ્રેસર છે.

Leave a comment