ભારતીય હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર, મલેશિયા અને તેની પાસેના મલક્કા સ્ટ્રેટ ઉપર સર્જાયેલું લો પ્રેશર વધુ સક્રિય થઈ રહ્યું છે. લો પ્રેશર ધીરે-ધીરે બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. આવતીકાલે 25 નવેમ્બરના રોજ કોમોરિન અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર થવાની સંભાવના છે. જેમાં આગામી 24 કલાકમાં દક્ષિણ આંદામાન સમુદ્ર પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવના છે. આ સિસ્ટમ 26 નવેમ્બરની આસપાસ ચક્રવાત ‘સેન્યાર’ (Cyclone Senyar) વિકરાળ રૂપ ધારણ કરી શકે છે. વધુ એક વાવાઝોડાનો ખતરના કારણે 25થી 29 નવેમ્બર દરમિયાન આંદામાનથી ઓડિશા કિનારા સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે.
IMD અનુસાર, આ લો પ્રેશર સતત પશ્ચિમ-ઉત્તર અને ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. જેના કારણે આગામી 48 કલાસમાં દક્ષિણ બંગાળની ખાડી ઉપર ચક્રવાત તૂફાન થવાની સંભાવના છે. ચક્રવાતના કારણે 25-27 નવેમ્બરે તમિલનાડુમાં, 24-26 નવેમ્બરે કેરળ અને માહેમાં, 24 નવેમ્બરે લક્ષદ્વીપમાં, 29 નવેમ્બરે આંધ્ર પ્રદેશના કાંઠાના વિસ્તારો સહિતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
જ્યારે 24 અને 28-30 નવેમ્બરે તમિલનાડુ, 30 નવેમ્બરે આંધ્ર પ્રદેશ અને યનમ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન 65થી 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદ થવાની આગાહી છે.
હવામાન વિભાગ મુજબ, દક્ષિણ બંગાળની ખાડી પર એક લો પ્રેશરના કારણે રવિવારે (23 નવેમ્બર) કાવેરી ડેલ્ટા, તમિલનાડુના દક્ષિણ અને દક્ષિણપૂર્વીય દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. જ્યારે હવે આગામી 24 કલાકમાં લો પ્રેશર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની ધારણા છે.
IMD અનુસાર, દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં એક ચક્રવાતી સર્ક્યુલેશન બન્યું છે. જેના કારણે, આગામી થોડા દિવસોમાં દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે.
IMDની આગાહી મુજબ, લો પ્રેશરની સિસ્ટમ હાલ મલક્કા જલડમરૂ મધ્ય અને દક્ષિણ આંદમાન સાગરની આસપાસ સક્રિય છે. જે ધીરે-ધીરે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ જમીની સ્તરથી લગભગ 1000 કિલોમીટર દૂર છે. ચક્રવાતની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, માછીમારોને 27 નવેમ્બર સુધી દક્ષિણ આંદામાન સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. 25થી 28 નવેમ્બર સુધી દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં માછીમારોને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ મન્નારની ખાડી, તમિલનાડુ, પુડુચેરી અને શ્રીલંકાના દરિયાકાંઠા માટે 29 નવેમ્બર સુધી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા માટે 30 નવેમ્બર સુધી ચેતવણી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ, 26 નવેમ્બર પછી આ વાવાઝોડું તમિલનાડુ-આંધ્રપ્રદેશ કિનારા તરફ આગળ વધશે અથવા ઉત્તર તરફ ઓડિશા અને બાંગ્લાદેશ તરફ વળશે. તેથી IMDએ જણાવ્યું છે કે, આગામી 48 કલાક મહત્ત્વપૂર્ણ છે. સંયુક્ત આરબ અમીરાત દ્વારા આપવામાં આવેલા સેન્યાર નામનો અર્થ ‘સિંહ’ થાય છે.
