ભારતીય નૌકાદળમાં સ્વદેશી યુદ્ધ જહાજ INS માહે સામેલ

સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજ INS માહે સોમવારે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું. તે પ્રથમ માહે-ક્લાસ એન્ટિ-સબમરીન અને છીછરા પાણીનું યુદ્ધ જહાજ છે, જે ખાસ કરીને દરિયાકાંઠાની કામગીરી માટે ડિઝાઈન કરવામાં છે.

મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે આયોજિત સમારોહમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી મુખ્ય અતિથિ હતા. દ્વિવેદીએ ત્રણેય સેવાઓની સંયુક્ત શક્તિ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, “સશસ્ત્ર દળોની સૌથી મોટી તાકાત તાલમેલ છે. ઓપરેશન સિંદૂર આનું એક ઉત્તમ ઉદાહરણ છે.”

આ જહાજ છીછરા પાણીની કામગીરી, દરિયાકાંઠાના પેટ્રોલિંગ, દરિયાઈ માર્ગ સુરક્ષા અને દુશ્મન સબમરીનની શોધમાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ કાર્યો શાંતિથી કરવાની ક્ષમતા માટે તેને “સાયલન્ટ હન્ટર” નામ આપવામાં આવ્યું છે.

કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા બનાવવામાં આવેલ INS માહેને નૌકાદળની “આત્મનિર્ભર ભારત” પહેલ તરફ એક મજબૂત પગલું માનવામાં આવે છે. નૌકાદળે તેને “નવા યુગનું ઝડપી, ચપળ અને આધુનિક ભારતીય યુદ્ધ જહાજ” તરીકે વર્ણવ્યું છે.

INS માહે એ ભારતીય નૌકાદળનું એક નવી પેઢીનું યુદ્ધ જહાજ છે, જે ખાસ કરીને સબમરીન વિરોધી યુદ્ધ માટે રચાયેલ છે. તે છીછરા પાણીમાં પણ ઉચ્ચ ચોકસાઈ સાથે કાર્ય કરવા સક્ષમ છે. તેના 80 ટકા ઘટકો ભારતમાં બનાવવામાં આવે છે.

INS માહેનું નામ કેરળના મલબાર કિનારે સ્થિત પુડુચેરીના માહે શહેર પરથી રાખવામાં આવ્યું છે. આ શહેર તેના દરિયાઈ ઇતિહાસ, વેપાર અને દરિયાઈ સંસ્કૃતિ માટે જાણીતું છે. નૌકાદળે આ નામ પસંદ કર્યું કારણ કે માહે દરિયાઈ પરંપરા અને ભારતના વ્યૂહાત્મક દરિયાઈ મહત્વનું પ્રતીક છે.

સમારોહના અંતે, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ INS માહે અને તેના ક્રૂને શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું, “જ્યારે આ જહાજ આજે પોતાનો ધ્વજ ફરકાવે છે, ત્યારે તે ફક્ત નૌકાદળનો જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રનો આત્મવિશ્વાસ પોતાની સાથે રાખે છે.”

Leave a comment