~ પ્રિ- ડાયાબિટીસ નિદાન થાય તો રેડ એલર્ટ સમજી સ્વસ્થ જીવનશૈલી અને ખાણીપીણી તરફ પાછા ફરવું પડશે
ભારતમાં ડાયાબિટીસ ઝડપથી પથારો પાથરી રહ્યુંછે. દેશવાસીઓ અને ખાસકરીને યુવાનોની જીવનશૈલી પણ એટલીજ પૂરપાટ ગતિથી બગડી રહી છે,જેથી ડાયાબિટીસ વધે નહીતો જ નવાઈ!બહારથી ભોજન મંગાવી ખાવું, ચિંતાજનક હદે વધતો જતો સ્ક્રીન સમય,કસરતમાં અને ઊંઘમાં ઘટાડો,ચિંતા અને હરીફાઈનો યુગ ડાયાબિટીસ માટે કારણભૂત છે. તેવામાં જો પ્રિ -ડાયાબિટીસ એટલેકે ડાયાબિટીસ રેન્જમાં હોય પણ સામાન્યથી વધુ હોય તો તમે એવા તબક્કે છો કે સાયલેન્ટ કિલર ડાયાબિટીસે હવે શોર મચાવવાનું શરૂ કર્યું છે.
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડૉ.દેવિકા ભટે વિશ્વ ડાયાબિટીસ ડે(૧૪ ડિસે.)નિમિતે કહ્યું કે, પ્રિ ડાયાબિટીસ ચેતવણી છે કે આ રોગ તમારા ઉંબરે આવી ગયો છે. રેડ એલર્ટ સમજીને નિયંત્રણના પગલાં લેવા જરૂરી છે. બ્લડ સુગરનું સ્તર ડાયાબિટીસની રેન્જમાં ન હોય પણ સામાન્યથી વધુ હોય તો ચેતી જવાની જરૂર છે.નહીતો આગળ જતાં અનેક ગંભીર રોગ ગ્રસી લેશે.
હોસ્પિટલના ડો.કશ્યપ બુચે માહિતી આપતા જણાવ્યું કે, ડાયાબિટીસ- ૧થી ૪ પ્રકારના છે.પરંતુ ૨નું પ્રમાણ વધુ છે. ડાયા.૧ એ જન્મજાત છે, જ્યારે ૨ પુખ્તવયની વ્યક્તિને લાગુ પડે છે.ડાયાબિટીસ પરત્વે બેદરકાર રહેવાય તો કીડની,આંખ,મગજ,હૃદયને નુકસાન કરે છે.આવું ન થાય માટે ભૂખ્યા પેટે (૯૦- ૧૨૬) અને જમીને (૧૪૦- ૨૦૦) હોય અને ડો.કહે કે બોર્ડર રેન્જમાં છે તો ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
ડો. યેશા ચૌહાણ અને ડો. જયંતી સથવારાએ કહ્યું કે,એવું ડો.કહે કે ડાયાબિટીસ તમારા દરવાજા ખટખટાવે છે તો સ્વસ્થ ખાણીપીણી અને જીવનશૈલી તરફ પાછા આવવું પડશે.જીમ જવાનો સમય નથી તો ઘરે કસરત કરી શકાય.રોજ ૩૦ મિનિટ વોકિંગ.ઘરના રોજિંદા કામ પણ કરી શકાય.ટૂંકમાં દૈનિક ધોરણે જેટલી કેલેરી લેવામાં આવે છે એટલી જ ખર્ચવી પડે.આમતો લક્ષણો દેખાવા જ લાગે જેમકે,વધુ તરસ ને ભૂખ લાગે,વારેઘડીએ પેશાબની હાજત,થાક,વજન વધતું લાગે,જો તે યોગ્ય રીતે મેનેજ ન થાય તો ચેતા તંત્રને પણ અવરોધે છે.
તબીબોએ પ્રિ – ડાયાબિટીસ હોય તો સવારે પ્રોટીનયુક્ત નાસ્તો,ભોજન પછી ૫- ૧૦મિનિટ ટહેલવું,ઉચ્ચ ફાયબર યુક્ત આહાર લેવો.બીજી તરફ સફેદ ચાવલ, મેંદો વિગેરેની જગ્યાએ ફાયબર લઈ શકાય, તળેલાં,સ્વીટ ખોરાક ઉપર નિયત્રંણ અને આહારમાં તબીબની સલાહ મુજબ ફળનું સેવન કરવું.રાત્રે વહેલા જમવું અને ઊંઘ સાથે ક્યારેય સમજૂતી કરવી નહીં.જો આટલી કાળજી લેવાય તો બચી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે,જી.કે.માં પ્રતિ માસે સરેરાશ ૧૩૦૦ દર્દી ચકાસણી ને સારવાર લે છે.જે પૈકી સ્ત્રીઓની સંખ્યા.૬૨૦ અને પુરુષોની સંખ્યા ૬૮૦ છે. જી.કે.માં NCD અંતર્ગત આ કાર્ય માટે ડો.વસીમ ગુંદાવાલાના માર્ગદર્શન હેઠળ અન્ય ત્રણ સ્ટાફ પણ કાર્યરત છે.
