અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટા આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતમાં ગાંજો સપ્લાય કરતો ઓડિશાના શખસની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ધરપકડથી ટ્રેન, ટ્રક અને શહેરમાં ભાડાના ગોડાઉન દ્વારા ચાલતા વ્યાપક નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે.
આરોપીની ઓળખ અનિલ પાંડે તરીકે થઈ છે, જે અગાઉ ઓડિશા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા 990 કિલો ગાંજાના જંગી જથ્થાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે તેની સામે ગુજરાતમાં 12 ગુનાહિત કેસો નોંધાયેલા છે અને તે છેલ્લા ઘણાં વર્ષોથી ફરાર હતો.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યાનુસાર, અનિલ પાંડે ગાંજા સપ્લાય ચેઈન ચલાવી રહ્યો હતો. તે ઓડિશાના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાંથી ગાંજાનો જથ્થો મેળવતો હતો. ત્યારબાદ તે ટ્રેન અને ટ્રક દ્વારા આ જથ્થો ગુજરાત મોકલતો હતો. અમદાવાદમાં આ નશીલા પદાર્થને વટવા અને શહેરના ગ્રામીણ વિસ્તારોમાં ભાડાના ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવતો અને ત્યાંથી તેનું વિતરણ થતું હતું. તે આ ગેરકાયદે જથ્થાની હેરાફેરી માટે મજૂરોને પણ કામે રાખ્યા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી અનિલ પાંડેનો આખો પરિવાર નશીલા પદાર્થોની તસ્કરીમાં સંડોવાયેલો છે. તેના પિતા અને ભાઈ બંને ગાંજાની તસ્કરીના કેસ ફસાઈ ચૂક્યા છે. અગાઉ સુરત પોલીસ અને ઓડિશા STF દ્વારા પરિવાર સાથે જોડાયેલી કેટલીક મિલકતો પણ જપ્ત કરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચે હવે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ અનિલ પાંડેના અન્ય સાગરિતોને શોધી રહી છે, શહેરમાં વપરાતા ગોડાઉનની ઓળખ કરી રહી છે અને આ સપ્લાય ચેઇનનું સંપૂર્ણ નેટવર્ક શોધી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડ થવાની સંભાવના છે.
