કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે રૂ.25 હજાર કરોડના ‘એક્સપોર્ટ પ્રમોશન મિશન’ને આપી મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે (12 નવેમ્બર) કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં દિલ્હી બ્લાસ્ટના પીડિતોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યારબાદ સરકારે વિશ્વમાં ભારતને વેગવંતુ બનાવવા અને દેશની અર્થવ્યવસ્થા અંગે અનેક મોટા નિર્ણય કર્યા છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) બેઠકની વિગતો આપતા કહ્યું કે, કેબિનેટની બેઠકમાં ‘એક્સપોર્ટ પ્રમોશન મિશન’ માટે 25,060 કરોડ રૂપિયાને મંજૂરી આપવામાં આવી છે. આ મિશન હેઠળ ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ હબ બનાવવામાં આવશે, જેના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટો ફાયદો થશે. મિશન હેઠળ નિકાસ પ્રક્રિયાને સરળ બનાવવા ઉપરાંત સ્પર્ધાત્મક બનાવાશે.

અશ્વિની વૈષ્ણવે વધુમાં કહ્યું કે, ‘એક્સપોર્ટર્સ ગેરંટી સ્કીમ’ હેઠળ 20,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈથી નિકાસકારોને નાણાકીય સુરક્ષા મળશે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં રહેલું જોખમ ઓછું થશે. અન્ય એક નિર્ણય અંગે તેમણે કહ્યું કે, ‘ક્રિટિકલ મિનરલ્સ કાયદામાં સંશોધનને પણ મંજૂરી આપવામાં આવી છે. આનાથી ભારતને વ્યૂહાત્મક ખનીજોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે, જે ઈલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ અને ગ્રીન એનર્જી સેક્ટર માટે મહત્ત્વપૂર્ણ છે.

કેન્દ્ર સરકારે કહ્યું કે, આ નિર્ણયોના કારણે ભારતની આર્થિક આત્મનિર્ભરતા વધુ મજબૂત થશે અને મેક ઈન ઈન્ડિયા તેમજ વોકલ ફોર લોકલ મિશન વેગવંતુ બનશે.

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરે સાંજે થયેલા બ્લાસ્ટે રાજધાનીને હચમચાવી દીધી હતી. આ આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 12 લોકોના જીવ ગયા છે. આ મામલાની ગંભીરતાને જોતા વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ આજે (12 નવેમ્બર) દિલ્હીમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં કેબિનેટે દિલ્હીમાં થયેલી આતંકવાદી ઘટનાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી. દિલ્હીમાં લાલ કિલ્લા નજીક સોમવારે થયેલા બ્લાસ્ટને કેન્દ્ર સરકારે આતંકવાદી ઘટના ગણાવી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, આ ઘટના જઘન્ય અપરાધ છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, દોષિતોની જલ્દી ઓળખ કરાશે. મોડું કર્યા વગર દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. આ પહેલા વડાપ્રધાન મોદી દિલ્હીની LNJP હૉસ્પિટલ પહોંચી બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત કરી હતી.

Leave a comment