દિલ્હીમાં લાલ કિલ્લા નજીક સોમવાર સાંજે થયેલા બ્લાસ્ટે રાજધાનીને હચમચાવી દીધી. આ આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 12 લોકોના જીવ ગયા છે. આ મામલાની ગંભીરતાને જોતા વડાપ્રધાન મોદીએ આજે(12 નવેમ્બર) દિલ્હીમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. ત્યારે કેબિનેટે દિલ્હીમાં થયેલી આતંકવાદી ઘટનાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપી. દિલ્હીમાં લાલ કિલ્લા નજીક સોમવારે થયેલા બ્લાસ્ટને કેન્દ્ર સરકારે આતંકવાદી ઘટના ગણાવી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, આ ઘટના જઘન્ય અપરાધ છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, દોષિતોની જલ્દી ઓળખ કરાશે. મોડું કર્યા વગર દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.
વડાપ્રધાન આવાસ પર યોજાયેલી કેબિનેટ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી જયશંકર અને NSA અજિત ડોભાલ સામેલ રહ્યા હતા. તપાસ, સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ અને આગળની રણનીતિ પર ચર્ચા થઈ. કેબિનેટ બેઠક બાદ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની અલગથી બેઠક યોજાઈ. જણાવી દઈએ કે, લાલ કિલ્લા બ્લાસ્ટની ઘટનાની તપાસ તેજ બની છે.
કેબિનેટે દિલ્હીમાં કાર બ્લાસ્ટની જઘન્ય આતંકી ઘટના ગણાવી છે. કેબિનેટ બેઠકમાં દિલ્હી બ્લાસ્ટના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ અને ઇજાગ્રસ્તોના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરાઈ. દિલ્હી બ્લાસ્ટમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની યાદમાં બે મિનિટનું મૌન રખાયું. કેબિનેટે બ્લાસ્ટની આકરી નિંદા કરી હતી. બેઠક અંગે પિયૂષ ગોયલે જણાવ્યું કે, કેબિનેટે દુનિયાભરથી એકજુટતા માટે આભાર માન્યો છે. આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેન્સની નીતિ છે. પરિસ્થિતિ પર સતત દેખરેખ રખાઈ રહી છે. કેબિનેટે ઝડપી તપાસના આદેશ આપ્યા છે. કેબિનેટ બેઠકમાં ત્રણ નિર્ણયો લેવાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની LNJP હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આજે ભુતાનથી દિલ્હી પરત ફર્યા અને પછી ઍરપોર્ટથી સીધા હૉસ્પિટલ પહોંચ્યા હતા.
પીએમ મોદીએ ઘાયલો સાથે મુલાકાત કરી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી. હૉસ્પિટલના અધિકારીઓ અને ડૉક્ટરોએ પણ તેમને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી. તેમજ આ ઘટના પર પીએમ મોદીએ કહ્યું કે, ‘આ ષડયંત્ર પાછળ જે લોકો છે, તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે.’
સોમવારે (10 નવેમ્બર) સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાથી દેશભરમાં અફરા-તફરીનો માહોલ બની ગયો હતો અને અનેક સ્થળો પર હાઇઍલર્ટ જાહેર થઈ ચૂક્યું છે. બ્લાસ્ટમાં અત્યાર સુધી 12 લોકોના મોત થઈ ચૂક્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને દિલ્હીની LNJP હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
