અમેરિકામાં સ્ટાફ કામ કરવા તૈયાર નથી, શટડાઉનની ગંભીર અસર

અમેરિકામાં ચાલી રહેલા શટડાઉનના કારણે, હવે હવાઈ મુસાફરી પરનું સંકટ ઘેરું બન્યું છે. પરિણામે, વિમાન કંપનીઓએ રવિવારે 3300 ફ્લાઇટ્સ રદ કરી દીધી હતી. પરિવહન મંત્રી સીન ડફીએ આ દરમિયાન ચેતવણી આપી કે, જો ટ્રમ્પ વહીવટીતંત્રનું આ શટડાઉન ‘થેંક્સ ગિવિંગ’ની રજાઓ સુધી લંબાશે, તો દેશભરમાં એર ટ્રાફિક ખૂબ જ ધીમો પડીને લગભગ અટકી શકે છે. દેશના 40 સૌથી વ્યસ્ત ઍરપોર્ટ્સ પર ફ્લાઇટ વ્યવહારમાં અવરોધ સતત ત્રીજા દિવસે ચાલુ રહેતા સ્થિતિ વધુ વણસી રહી છે.

બીજી તરફ, ફ્લાઇટ્સ પરની વ્યાપક અસરને કારણે હવે શટડાઉન સમાપ્ત કરવા માટે સમાધાનની શક્યતાઓ ઊભી થઈ છે. હેલ્થકેર સબસિડીના વિસ્તરણની ગેરંટી લીધા વિના જ, ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓના એક જૂથે ચર્ચા કરવા માટે સંમતિ આપી. જોકે, તેમના ‘કોકસ'(પક્ષના સભ્યોનું જૂથ)ના ઘણા સભ્યો આ પગલાથી નારાજ થયા, કારણ કે ‘કોકસ’નું માનવું છે કે અમેરિકન નાગરિકો સબસિડી માટેની લડાઈ ચાલુ રાખવા માંગે છે.

આવશ્યક પ્રક્રિયાઓની શ્રેણીમાં, પ્રથમ પગલું ભરતા સેનેટમાં સરકારી કામકાજને ભંડોળ પૂરું પાડવાના સમાધાન બિલને પસાર કરવા માટે 60-40 મતોથી મતદાન થયું. આ પછી, 1 જાન્યુઆરીએ સમાપ્ત થનારા ‘અફોર્ડેબલ કેર એક્ટ ટેક્સ ક્રેડિટ’ પર મતદાન કરવામાં આવ્યું.

શટડાઉનના કારણે, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ દેશભરમાં ફ્લાઇટ્સ ઘટાડવાનો આદેશ આપ્યો છે. આ આદેશ જાહેર થવાનું કારણ એ છે કે, પગાર ન મળવાને લીધે ઘણા એર ટ્રાફિક કંટ્રોલરોએ કામ પર આવવાનું બંધ કરી દીધું છે.

હવાઈ મુસાફરીમાં અવરોધોનું નિરીક્ષણ કરતી વેબસાઇટના અહેવાલ મુજબ, માત્ર રવિવારે જ લગભગ 7,000 ફ્લાઇટ્સ લેઇટ થઈ હતી, જ્યારે 2,100થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ હતી. આ ઉપરાંત, શુક્રવારે 1,000થી વધુ અને શનિવારે 1,500થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી.

FAA દ્વારા ફ્લાઇટમાં કરવામાં આવેલો ઘટાડો શુક્રવારે ચાર ટકાથી શરુ થયો હતો અને તે 14 નવેમ્બર સુધીમાં વધીને 10 ટકા સુધી પહોંચશે. આ કપાત સ્થાનિક સમય મુજબ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અમલમાં રહેશે અને તમામ વાણિજ્યિક વિમાન કંપનીઓને પ્રભાવિત કરશે.

Leave a comment